ગાંધીનગર: ગામડીવાલા મિલ્ક પ્રોસેસર-ડેરીમાંથી ભેળસેળ દુધનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી: પાલનપુરમાં શંકાસ્પદ 2,500 લિટર દૂધનું ટેન્કર પકડાયા બાદ ફુડ સેફ્ટી વિભાગે અનેક જગ્યાએ તપાસ શરુ કરી હતી. જેમાં ગાંધીનગરના સેક્ટર ૨૮ જી.આઇ.ડી.સી.પલોટ નંબર ૧૦૧/૧/૧૪ ખાતે દૂધની બનાવટ સાથે સંકળાયેલ ગામડીવાલા મિલ્ક પ્રોસેસર દ્વારા પૂરો પાડવામાં આવેલ દૂધનો જથ્થો બિન આરોગ્યપ્રદ હોવાનું જણાતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસર અને ફુડ સેફ્ટી ઓફિસર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના ફુડ સેફ્ટી ઓફિસર તેમજ ગાંધીનગર પોલીસ વિભાગની SOG ટીમ દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માલ્ટોડેક્ષટ્રીન પાવડર દુધમાં ભેળસેળ કરેલું જોવા મળ્યું
ગામડીવાલા મિલ્ક પ્રોસેસર ગાંધીનગર દ્વારા ઉત્પાદીત દુધ તેમજ દુધની બનાવટો શંકાસ્પદ જણાતા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં રહેલા મિલ્કોસ્ક્રેન નામના મશીન દ્વારા દુધની તપાસ કરતા પેઢી દ્વારા પેકીંગ કરેલા દુધમાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. જેના આધારે પેઢીના મેનેજર મહેન્દ્રભાઈ રામસુભાઈ શુક્લાની હાજરીમાં દુધના કુલ 07 (સાત) નમુના અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો 01 (એક) નમુનો એમ કુલ 08 (આઠ) નમુના લેવામા આવ્યા હતા અને બાકી બચેલા તમામ દુધનો આશરે ૫,૦૦૦ લીટર જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે રુ. ૨.૫ લાખ થાય છે તે સ્થળ ઉપર જ જાહેર આરોગ્યનાં હિતમાં નાશ કરવામા આવ્યો હતો.
View this post on Instagram
પનીર અને ચીઝનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
આ ઉપરાંત પેઢીમાંથી દુધની બનાવટો જેવી કે પનીર, ચીઝ વગેરેની પ્રાથમિક તપાસ કરતા શંકાસ્પદ જણાતા ચીજના ૧(એક) અને પનીર ના બે (૨) એમ કુલ ત્રણ (૦૩) નમુના લેવામાં આવ્યા હતા અને તે પનીર અને ચીઝનો શંકાસ્પદ કુલ જથ્થો ૩૦૭ કિ.ગ્રા કે જેની અંદાજિત કિંમત રૂ. ૮૨,૯૭૬ થાય છે, તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોવાથી તેમનો લેબ ટેસ્ટીગ રીપોર્ટ કરવા મુક્યો છે તે આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ અને વીડિયોઃ વિનોદ મકવાણા
આ પણ વાંચો: ગુજરાતમાં નકલી હળદર, પનીર બાદ શંકાસ્પદ 2,500 લિટર દૂધનું ટેન્કર પકડાતા ચકચાર