

ગાંધીનગરઃ ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોમાં એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વહેલી સવારના સમયે આખો રોડ ખાલી હોવા છતાં માતેલા સાંઢની માફક બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્કૂલવાનમાં 12 બાળકો હતા. જેમાંથી 10 બાળકોને શરીરે સામાન્ય ઈજાઓ થઈ છે. જેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે એકને હાઇટેક અને એકને કે.ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતા તેઓના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર – 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ગાંધીનગરના માર્ગો પર ઓવરલોડ બાળકોને ભરીને દોડતી સ્કૂલ વાન સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ પણ આ મામલે કુંભકર્ણની નિદ્રામાં પોઢી જતાં સ્કૂલ વાન અને રિક્ષામાં બાળકોને ઘેટા બકરાની માફક ભરવામાં આવી રહ્યા છે. થોડા વખત અગાઉ પણ એક સ્કૂલવાન પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આજે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઈ છે.