ગણપતિ બાપ્પા મોરિયાઃ ગણેશોત્સવ માટે ભક્તો આતુર, સંચાલકો માટે સૂચના
- વિધ્નહર્તાને આવકારવા ભક્તોની ભાવભેર તૈયારી
- મંડપ ડેકોરેશનના ઓર્ડર અપાઇ ગયા, કેટલીક જગ્યાએ બની પણ ગયા
- ગણેશ મંડળના સંચાલકોને કેટલીક સૂચનાનું કડકપણે પાલન કરવા તંત્રની સૂચના
19 સપ્ટેમ્બર અને મંગળવારે ગણેશચતુર્થી છે. જે ગણપતિના આગમનની ભક્તો વર્ષ દરમિયાન રાહ જોતા હતા તે ગણેશોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. વિઘ્નહર્તા શ્રીજીને આવકારવા માટે ભક્તો ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે. ગણેશોત્સવ માટે ગણેશ મંડળ અને સોસાયટીઓ કે ફ્લેટમાં સ્થાપિત થનારા વિઘ્નહર્તાને ધામધૂમથી વધાવવાની તૈયારીઓ મોટા ભાગે પૂર્ણ થઇ ચૂકી છે. મંડપ ડેકોરેશનના લાઇટિંગ, પડદા, ઝાલર, જનરેટર, એન્ટ્રી ગેટ ડિઝાઇન, ભગવાનની મૂર્તિ, ફુવારા અને ગાદલાં, સોફા-ખુરશીના ઓર્ડર અપાઈ ચૂક્યા છે. મંડપનાં ૧૦ હજારથી લઈને ર.પ૦ લાખ સુધીનાં બજેટ બનાવાયાં છે.
ગણેશ મંડળના સંચાલકોને અપાઇ આ સૂચના
ગણેશોત્સવ નિમિત્તે ગણેશ મંડળના સંચાલકોને કેટલીક સૂચનાનું કડકપણે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં તેઓ મંડપ પાસે ફટાકડા ફોડી શકશે નહીં કે સ્ટેજ બાંધી શકાશે નહીં તેવી સૂચના ગણેશ મંડળોને અપાઈ છે તેમજ શેરી-ગલી, ચોક, સોસાયટી, રોડ-મહોલ્લામાં ફાયરબ્રિગેડના અને ઇમરજન્સી સેવાઓનાં વાહનો અવરજવર કરી શકે તે રીતે મંડપ બાંધવાની સૂચના અપાઈ છે.
મંડપ ડેકોરેશન માટે પણ ભક્તોએ પણ બજેટ વધારવું પડશે
આ વર્ષે મંડપ ડેકોરેશન માટે પણ ભક્તોએ બજેટ વધારવું પડશે, કારણ કે મંડપના ગાળા મુજબ કરવામાં આવતી સજાવટ અને ભાવમાં આ સિઝનમાં ગાળાદીઠ 100 રૂપિયાનો વધારો થયો છે. ખુરશીમાં એક રૂપિયાનો વધારો, સોફાના ભાવમાં 300 વધ્યા હોવા સાથે ટેબલના 70 રૂપિયા, એન્ટ્રી ગેટના 15×15ના 200 રૂપિયા, પડદાના 300 તેમજ સ્ટેજના સ્ક્વેર ફૂટ 10×10 અનુસાર 15 રૂપિયા મુજબ 1500 રૂપિયા, લાઇટિંગ હેલોઝનના 350 રૂપિયા, કલર લાઇટિંગમાં 300 રૂપિયા વધ્યા છે.
પુણે-મુંબઈની ટ્રેનો હાઉસફુલ
આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થવાની સાથે સાથે 10 દિવસનો ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની સાથે-સાથે ગુજરાતના સુરત સહિતનાં શહેરોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. દરમિયાન પશ્ચિમ રેલવેએ ઉધનાથી મેંગલુરુ, ગોવા, મડગાંવ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેનનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. આ ટ્રેનો અત્યારે જ હાઉસફુલ છે. ગણપતિ સ્પેશિયલ ટ્રેનોમાં વેઇટિંગ 300ને પાર જઈ રહ્યું છે. અમદાવાદ અને વડોદરા થઈને સુરત જનારી ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે, પરંતુ એમાં પગ મૂકવા માટેની જગ્યા નથી અને તેમાં પણ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે, જ્યારે રેગ્યુલર ટ્રેનોમાં યશંવતપુર સુવિધા એક્સપ્રેસ પણ ફુલ થઈને ચાલી રહી છે.
ડીજે સંચાલકો અને પોલીસ વચ્ચે બેઠક
ગણેશોત્સવમાં શાંતિ રહે તે માટે શહેરના 300થી વધુ ડીજે સંચાલકો-પોલીસ વચ્ચે બેઠક મળી હતી, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં રાતના 10 વાગ્યે ડીજે બંધ કરવા સૂચના અપાઇ છે. ડીજે સંચાલકોને ભક્તિ ગીતો વગાડવા સૂચન કરી વાંધાજનક કે ઉશ્કેરાટ ફેલાય તેવાં ગીતો નહીં વગાડવાની સૂચના અપાઇ છે. જો ડીજે સંચાલકો સૂચનાનો ભંગ કરે તો પગલાં ભરાશે. સંચાલકોને ડીજે વગાડી ધ્વનિ પ્રદુષણ નહીં ફેલાવવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ક્યારે છે ગણેશ ચતુર્થી? તિથિની મુંઝવણ કરો દુરઃ આ છે શુભ મુહૂર્ત