કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગેમઝોન અગ્નિકાંડઃ ભાવનગરમાં ગેમઝોનની સલામતીની ચકાસણી કરવામાં આવી

ભાવનગર, 26 મેઃ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં ગઈકાલે શનિવારે આગની ઘટના બાદ જાગેલા તંત્રે હવે વિવિધ શહેરમાં ગેમઝોનની સલામતીની ચકાસણી કરવાનું શરૂ કર્યું છે. ભાવનગરમાં આજે વહેલી સવારે કમિશનરના આદેશથી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ભાવનગરના અગ્નશમન વિભાગ, શહેર આયોજન વિભાગ તેમજ પીજીવીસીએલ દ્વારા સંયુક્તપણે તપાસ શરૂ કરવામાં આવી હતી.

જૂઓ વીડિયોઃ

આ અગાઉ ગઈકાલે શનિવારે સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 32 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ગંભીર દુર્ઘટના બની ગયા પછી જે વિગતો બહાર આવી રહી છે તે મુજબ, આ ગેમઝોન છેલ્લા ઘણા વર્ષથી NOC લીધા વિના ચાલતો હતો એટલું જ નહીં પરંતુ ફાયર સેફ્ટી માટે કોઈ વિશેષ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આ ઘટના બાદ સરકાર હવે એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. IPS સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. તેમજ, આ કમિટીમાં IAS બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ. પી. સંધવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે. એન. ખડિયા અને એમ. બી. દેસાઈ કમિટીના સભ્યો રહેશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આ કમિટી 10 દિવસમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરશે.

દરમિયાન, રાજ્યમાં વિવિધ શહેરના સત્તાવાળા હવે ગેમઝોન જેવી મનોરંજનની જગ્યાઓ ઉપર પહોંચી રહ્યા છે અને સલામતીનાં પગલાંની ચકાસણી કરવામાં આવી રહી છે. એ જ અનુસંધાને ભાવનગર મ્યુનિસિપલ કમિશનરે પણ આજે રવિવારે સવારે સંલગ્ન વિભાગોના જવાબદાર અધિકારીઓ સાથે અલગ અલગ ગેમઝોનમાં તપાસ શરૂ કરી હતી.

જોકે, આ કવાયત એકાદ-બે દિવસ ચાલશે અને ફરીથી બધું ધકેલપંચા દોઢસો જેવું થઈ જશે. ગુજરાત સહિત દેશમાં એવા અગણિત એકમો છે જેના સંચાલકો અને માલિકો નફાખોરીને કારણે પ્રજાની સલામતીને પ્રાધાન્ય આપતા નથી. થોડાં વર્ષ પહેલાં સુરતમાં એક કોમર્સિયલ સેન્ટરમાં ચાલતા કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી અને મોટીસંખ્યામાં બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારપછી કોઈ કોચિંગ ક્લાસમાં સલામતી અંગે જે તે શહેરના તંત્ર દ્વારા કોઈ ચકાસણી કે તપાસ થઈ હોવાનું જોવા મળ્યું નથી. કોરોનાકાળમાં અનેક શહેરમાં હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની હતી, પરંતુ ત્યારબાદ હોસ્પિટલોમાં કાયમી સલામતી અંગે કોઈ નક્કર પગલાં લેવાયા હોવાનું જાણવા મળ્યું નથી.

આ પણ વાંચોઃ પહેલા મોરબી અને હવે રાજકોટ, ગુજરાતના એ અકસ્માતો જેણે દેશને હચમચાવ્યો…

Back to top button