ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં પોલીસને જોઈ જુગારીઓ નદીમાં કૂદ્યા, બે લોકો મૃત્યુને ભેટ્યા

Text To Speech
  • કોઝવે ખાતે અવાવરૂ જગ્યાએ છ વ્યકિતઓ જુગાર રમી રહ્યા હતા
  • પોલીસ પહોંચતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી
  • વિયરના પાણીમાં કૂદી પડતા ડૂબી જતા બંનેના મોત નિપજ્યા

સુરતમાં રાંદેરના કોઝવે ખાતે અવાવરૂ જગ્યાએ છ વ્યકિતઓ જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં પોલીસ પહોંચતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પોલીસથી બચવા માટે એક આધેડ અને એક પ્રૌઢ વિયરના પાણીમાં કૂદી પડતા ડૂબી જતા બંનેના મોત નિપજ્યા હતા.

ગુલામ નબી અને મોહમદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા હતા

રાંદેર ખાતે માલમવાડ સ્ટ્રીટમાં રહેતા 52 વર્ષીય ગુલામ નબી ઉર્ફે મંજુ ગુલામ મહોમ્મદ સફેદ અને 50 વર્ષીય મહોમ્મદ અમીન, મહોમ્મદ હુસેન હોટલવાલા અને તેમના ચાર મિત્ર સાથે બપોરે રાંદેરના ઈકબાલ નગર પાસે કોઝવે નજીક આવેલી અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં અચાનક આવેલી પોલીસને જોઈને જુગારીઓ આમતેમ ભાગવા લાગ્યા હતા. જેમાં ગુલામ નબી અને મોહમદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા હતા. બંનેને કૂદતા જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, ફાયરની ટીમ ત્યાં પહોંચે તે પહેલા સ્થાનિકોએ બંનેને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

મોતને પગલે પરિવાર અને તેમના સંબંધીઓમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો

મૃત્યુ પામેલા શખસના સંબંધીએ કહ્યું કે, ‘કોઝવે પાસે છ જેટલા વ્યકિત પાના રમતા હતા. તે સમયે પોલીસ પહોંચતા ડરી ગયેલા બે શખસો બચવા માટે વિયરમાં કૂદી પડ્યા હતા. તેમની સાથેના એક મિત્રને તરતા આવડતું હોવાથી બંનેને બચાવવા જવા કહ્યું પરંતુ, પોલીસે તેને વિયરમાં જવા ન દીધો અને ફાયરની ટીમની રાહ જોઈ. જો તેને વિયરમાં જવા દીધો હોત તો મિત્રોને બચાવી શક્યો હોત.’ બંને વ્યક્તિના મોતને પગલે પરિવાર અને તેમના સંબંધીઓમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત : કચ્છમાં મોબાઇલ ગેમના લીધે સગીરની ગળુ કાપી કરપીણ હત્યા

Back to top button