ગજબના ભેજબાજ: જે માણસ છે જ નહિ તેને મૃત બતાવી વીમા કંપની સાથે કરી લાખોની છેતરપિંડી
ગાંધીનગર, 22 ઓકટોબર, વધતા ડિજિટલાઇઝેશન સાથે, ઑનલાઇન છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. આજકાલ બેંકિંગ ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શોર્ટ ટર્મ લોન આપવાના નામે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. જેમાં નવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દહેગામના ખાડિયા ગામનાં શખ્સે મળતિયા ઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું જેમાં અસ્તિત્વ વિનાના યુવકના નામે વીમો ઉતારી એનો જ મરણનો દાખલો સહીતના ખોટા દસ્તાવેજોનાં આધારે 15 લાખ 14 હજારનો વીમો કલેઇમ કરાવી લઈ છેતરપિંડી આચરી હતી. આ મામલે રખીયાલ પોલીસ મથકે વીમા કંપનીએ ફરિયાદ નોંધાવી છે.
આજકાલ બેંકમાં બેંક ફ્રોડના કેસ વધી રહ્યા છે. મુંબઈ ખાતેની રિલાયન્સ નિપોન જીવન વીમા કંપનીની રજીસ્ટર કચેરીના ડેપ્યુટી મેનેજર વાસુદેવ દિગંબર ટીકમએ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2020 માં કંપની દ્વારા હરેશકુમાર રમણજી ઠાકોરની વીમા પોલીસી ઉતારવામાં આવી હતી. જેનાં વારસદાર તરીકે તેના પિતા રમણજી બદાજી ઠાકોર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. બાદમાં ફેબ્રુઆરી 2023 માં હરેશકુમારનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે વારસદાર રમણજી ઠાકોરે વીમા પોલીસીની રકમ માટે ક્લેઇમ કરવામાં આવ્યો હતો. જે અન્વયે કંપની દ્વારા રૂ. 15 લાખ 14 હજાર 942 રમણજી ઠાકોરને ક્લેઈમ ચૂકવી આપવામાં આવ્યો હતો. બાદમાં કંપનીને શંકા જતાં દહેગામના ખાડીયા ગામમાં તપાસ કરાવવામાં આવી હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતગુ કે, હરેશકુમાર રમણજી ઠાકોર નામની વ્યક્તિ જ ગામમાં નથી. અને રમણજીને માત્ર બે જ દિકરા છે અને તે બંન્ને હાલમા હયાત છે.
જે અંગે વધુ તપાસ કરતા રમણજી ઠાકોર સહિત બળવંતભાઈ ઉર્ફે બંટીભાઈ કાળાભાઈ પરમાર તથા રિશીભાઈ મહેશભાઈ કાવતરું રચી ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશનકાર્ડ બનાવી અસ્તિત્વ વિનાના હરેશકુમાર નામે વીમો લેવામાં આવ્યો હતો. અને અન્ય વ્યકતીને હરેશભાઇ રમણજી ઠાકોર તરીકે બતાવવામાં આવી હતી. બાદમાં બેંક ઓફ બરોડામા ખાતું ખોલાવી વીમા પોલીસી ઉતાર્યા બાદ ત્રણ વર્ષે મોડાસા નગરપાલીકામાંથી ખોટું મરણ પ્રમાણપત્ર મેળવી વીમા કંપની સમક્ષ ખોટા કાગળો-દસ્તાવેજો સાચા તરીકે રજુ વીમા ની રકમ મેળવી લેવાઈ હતી. જે અંગે રખીયાલ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો..ગુજરાત: ATM મશીનથી રૂપિયા ઉપાડવા જતા હોય તો સાવધાન રહેજો, જાણો ચોંકાવનારી ઘટના