ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિક ફંડિંગ કેસ : ફાઉન્ડર પુરકાયસ્થ સહિત બેની ધરપકડ

ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝક્લિકના ફંડિંગ કેસના સંબંધમાં, દિલ્હી પોલીસે તેના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને HR વડા અમિત ચક્રવર્તીની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે વિદેશી ભંડોળની તપાસના સંદર્ભમાં દરોડા બાદ પોલીસના સ્પેશિયલ સેલે ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકની ઓફિસને પણ સીલ કરી દીધી છે.

શકમંદોની કરાઈ પુછપરછ

તમને જણાવી દઈએ કે, દિલ્હી-NCR વિસ્તારમાં કેન્દ્રિત સ્પેશિયલ સેલના દરોડા સવારે શરૂ થયા હતા. બાદમાં પ્રબીર પુરકાયસ્થને ‘ન્યૂઝ ક્લિક’ની દક્ષિણ દિલ્હી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફોરેન્સિક ટીમ પહેલેથી જ હાજર હતી. આ સિવાય દિલ્હી પોલીસે મંગળવારે (3 ઓક્ટોબર) કહ્યું કે 37 પુરુષ શંકાસ્પદ અને 9 મહિલા શકમંદોની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ માટે ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો પણ જપ્ત/એકત્ર કરવામાં આવ્યા હતા.

પત્રકારોના લેપટોપ અને મોબાઈલ જપ્ત, ઓફિસ પણ સીલ

માહિતી અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે સવારે ન્યૂઝક્લિક અને તેની સાથે સંકળાયેલા પત્રકારોના ઘરો પર આતંકવાદ વિરોધી કાયદા અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ નોંધાયેલા કેસમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. પોલીસ જે પત્રકારોના ઘરે પહોંચી તેમાં અભિસાર શર્મા, ઉર્મિલેશ, ઔનિન્દ્યો ચક્રવર્તી અને પરંજય ગુહા ઠાકુર્તા અને અન્ય લોકો સામેલ હતા.

દિલ્હી પોલીસે પણ કર્યો છે કેસ

કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસે નવો કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શેર કરવામાં આવેલા ઇનપુટના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. EDની તપાસમાં 3 વર્ષમાં 38.05 કરોડ રૂપિયાના નકલી વિદેશી ફંડ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો હતો. ગૌતમ નવલખા અને તિસ્તા સેતલવાડના સહયોગીઓ ઉપરાંત આ પૈસા ઘણા પત્રકારોને આપવામાં આવ્યા હતા.

ચીનમાંથી કઈ ચેનલ દ્વારા પૈસા આવ્યા?

EDની તપાસમાં આ પૈસાની લેવડદેવડનો ખુલાસો થયો હતો. જેમાં 9.59 કરોડ રૂપિયા FDI દ્વારા અને 28.46 કરોડ રૂપિયા સર્વિસ એક્સપોર્ટના બદલામાં આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ચીનના પૈસા કેટલીક વિદેશી ફર્મ મારફતે ન્યૂઝક્લિક સુધી પહોંચ્યા હતા. આ જ પૈસા ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને પણ આપવામાં આવ્યા હતા.

ચીની કંપનીઓ પાસેથી ભંડોળ મેળવવાનો મામલો

વર્ષ 2021માં દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ન્યૂઝક્લિક દ્વારા મળેલા ગેરકાયદે ફંડિંગ અંગે કેસ નોંધ્યો હતો. ન્યૂઝક્લિકને આ શંકાસ્પદ ભંડોળ ચીનની કંપનીઓ દ્વારા મળ્યું હતું. આ પછી EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, જોકે તે સમયે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટર્સને ધરપકડમાંથી રાહત આપી હતી.

Back to top button