ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કટ્ટરવાદને કારણે યુદ્ધો થાય છેઃ વિજયાદશમી નિમિત્તે સંઘ વડા મોહન ભાગવતનો સંદેશ

  • વિજયાદશમી નિમિત્તે આજે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો
  • મોહન ભાગવતે લોકોને કહ્યું કે ભારત દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે

નાગપુરઃ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડામથકે વિજયાદશમીના અવસર પર સ્થાપના દિવસ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગપુરના રેશિમબાગ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે સંઘ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ભારતે વિશ્વના મહત્વના દેશોમાં સ્થાન મેળવ્યું છે. આ વખતે એશિયન ગેમ્સમાં આપણા ખેલાડીઓએ 107 મેડલ જીત્યા છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં આપણે 10મા સ્થાનેથી વધીને પાંચમા સ્થાને પહોંચ્યા છીએ. આપણે માત્ર ટેક્નોલોજીમાં જ નહીં પણ કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં પણ પ્રગતિ કરી રહ્યા છીએ.

સંઘ પ્રમુખે વધુમાં કહ્યું કે આપણા દેશમાં ઘણી વિવિધતા છે અને વિવિધતામાં એકતા કેવી રીતે આવી શકે તેનો કોઈ આધાર નથી. તેમણે કહ્યું કે કટ્ટરતા ગાંડપણ તરફ દોરી જાય છે. યુદ્ધો ચાલુ રહે છે. તેનો કોઈ ઉકેલ હોય તેમ લાગતું નથી. તેમનો ઈશારો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તરફ હતો.

2024ની ચૂંટણીને લઈને મોહન ભાગવતની મોટી અપીલ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને હવે લગભગ 6 મહિના બાકી છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. દરમિયાન મોહન ભાગવતે લોકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની લાલચ અને ઉશ્કેરણીનો શિકાર ન બને. તેમણે લાગણીઓને ઉશ્કેરીને મત મેળવવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી હતી. લોકોને દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું આહ્વાન કર્યું હતું.

આપણો દેશ આગળ વધી રહ્યો છે, આત્મવિશ્વાસ વધી રહ્યો છે. જો આપણે દુનિયાને રસ્તો બતાવવો હોય તો આપણે કોઈની નકલ કરવાની જરૂર નથી. આપણે આપણો રસ્તો બનાવવાનો છે. આપણે વિશ્વને એક સફળ પ્રયોગ આપવાનો છે. તેમણે કહ્યું કે ભારતમાં કેટલાક એવા લોકો છે જે નથી ઈચ્છતા કે દેશ આગળ વધે. તે અલગાવ અને સંધર્ષ કેમ પેદા કરવો તેનો પ્રયત્ન કરે છે.


શું મણિપુર હિંસામાં સરહદ પારના આતંકવાદીઓ સામેલ હતાઃ મોહન ભાગવત

કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે પ્રશ્ન કર્યો હતો કે શું મણિપુરમાં જાતિ હિંસામાં સરહદ પારના આતંકવાદીઓ સામેલ હતા? મેઇતેઇ અને કુકી સમુદાયના લોકો ઘણા વર્ષોથી સાથે રહે છે. તેમની વચ્ચે અચાનક હિંસા કેવી રીતે ફાટી નીકળી? બાહ્ય શક્તિઓ સંઘર્ષથી લાભ મેળવે છે. શું બાહ્ય પરિબળો સામેલ છે?’

તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસ માટે ત્યાં હતા.આ હિંસા નથી થઈ રહી, કરાવવામાં આવી રહી છે. મને RSS કાર્યકર્તાઓ પર ગર્વ છે જેમણે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું. ભાગવતે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો પોતાને સાંસ્કૃતિક માર્ક્સવાદી કહે છે અથવા જાગ્રુત કહે છે,પરંતુ તેઓ માર્ક્સને ભૂલી ગયા છે.

મુખ્ય અતિથિ તરીકે ગાયક શંકર મહાદેવન ઉપસ્થિત રહ્યા હતા

સંઘના સ્વયંસેવકોએ પથ સંચલનનું આયોજન પણ કર્યું હતું. જે બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે શંકર મહાદેવનનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવત અને મુખ્ય અતિથિ શંકર મહાદેવને શસ્ત્ર પૂજન કર્યું હતું.

શંકર મહાદેવને પણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું વિજયાદશમીના અવસર પર સૌને શુભકામનાઓ આપું છું. હું ખૂબ જ સન્માનિત અને ગૌરવાન્વિત અનુભવું છું કારણ કે આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મારુ સ્વાગત કરવામાં આવ્યું. આજનો મારો અનુભવ અદભૂત રહ્યો. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષામાં આપ સૌનું યોગદાન અદ્વિતીય છે. મારું માનવું છે કે ભાવિ પેઢીમાં સંગીત અને ગીતના માધ્યમથી આપણી સંસ્કૃતિને શિક્ષિત અને પ્રસારિત કરવી મારું કર્તવ્ય છે. હું તેને યુવાનો અને બાળકો સાથે વાતચીતમાં અને મારા શો, રિયાલિટી શો અને ફિલ્મના ગીતોમાં પણ પ્રસારિત કરવાનો પ્રયાસ કરું છું.

આ પણ વાંચો, હર્ષ સંઘવીએ વિજયાદશમી નિમિતે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે કર્યું શસ્ત્ર પૂજન

Back to top button