આજથી પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ, સિક્યોરિટી ગાર્ડ રહેશે તૈનાત, ભૂલથી પણ તકરાર કરી તો…
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢે આજથી છોલેલા શ્રીફળને મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. તેની જગ્યાએ છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું કહેવામા આવ્યું છે.
આજથી પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ
પવિત્ર યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે શ્રીફળને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે જાહેર કર્યું છે કે આજથી મંદિરમાં કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ લાવી શકશે નહી. અને શ્રધ્ધાળુઓ મંદિરમાં શ્રીફળ ન લઈ શકે તે માટે સિક્યોરિટી ગાર્ડ પણ તૈનાત રહેશે, અને કોઈ પણ વ્યક્તિ શ્રીફળ લઈ જવા માટે સિક્યોરિટી ગાર્ડ સાથે કોઈ પણ પ્રકારની તકરાર કરશે તો તેની સામે ફરિયાદ કરવામાં આવશે.
શ્રીફળ વધેરવાના મશીન મુકાયા
મહત્વનું છે કે, યાત્રાધામ પાવાગઢ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ શ્રદ્ધાળુઓ કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે પુરતી માચી ખાતે શ્રીફળ વધેરવાના મશીન મુકાયા છે. અને આજથી મંદિરમાં નવા નિયમની અમલવારી કરવામાં આવશે.
આજથી લાગુ થશે આ નિયમો
પાવાગઢ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું છે કે ભક્તોએ મંદિરમાં શ્રીફળ પોતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. તેમજ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. અને જો કોઈ વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કોઈ પણ વ્યક્તિ છોલેલુ શ્રીફળ મંદિરમાં લઈ ન જાય તે માટે શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને જ અંદર પ્રવેશ અપાશે. તેમજ કોઈ પણ વ્યક્તિ સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરશે તો તેની સામે પોલીસ ફરીયાદ કરાશે.
આ પણ વાંચો : નવરાત્રીમાં અંબાજી દર્શન કરવા જવાના હોવ તો ખાસ વાંચો, દર્શનના સમયમાં થયો ફેરફાર