આજથી પેકિંગ ઉત્પાદનને લઈને નવો નિયમ લાગુ, ગ્રાહકોને થશે મોટો ફાયદો
- સરકાર દ્વારા પેકિંગ ઉત્પાદનને લઈને નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ પ્રતિ યુનિટ કિંમત લખવાની સાથે અન્ય ઘણા ફેરફારો કરવા પડશે.
HD ન્યૂઝ ડેસ્ક, 01 જાન્યુઆરી: સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2024થી પેકિંગ ઉત્પાદન કંપનીઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આજથી તમામ કંપનીઓએ પેકિંગ કરેલ વસ્તુ પર ઉત્પાદનની તારીખ સાથે યુનિટ દીઠ વેચાણ કિંમત લખવાની રહેશે. આ નિયમના અમલીકરણ સાથે જ ગ્રાહકોને તેઓ જે ઉત્પાદન ખરીદી રહ્યા છે તેના વિશે પહેલા કરતાં વધુ માહિતી મળશે અને તેઓ યોગ્ય વસ્તુ નિર્ણય લઈ શકશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ નવા નિયમ પર ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું છે કે સોમવાર એટલે કે 1 જાન્યુઆરીથી તમામ ડબ્બાબંધ ચીજવસ્તુઓ પર ઉત્પાદન તારીખ અને પ્રતિ યુનિટ વેચાણ કિંમત લખવી ફરજિયાત બની ગઈ છે. અત્યાર સુધી પેકિંગ ઉત્પાદનો પર ‘ઉત્પાદન તારીખ’ અથવા ‘આયાતની તારીખ’ અથવા પેકેજિંગની તારીખ પ્રકાશિત કરવી વૈકલ્પિક હતી.
સરકારે નોટિસ પાઠવી
ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર હવે કંપનીઓ માટે માલની ‘વેચાણ કિંમત પ્રતિ યુનિટ’ની સાથે ‘મેન્યુફેક્ચરિંગની તારીખ’ પ્રકાશિત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપભોક્તા બાબતોના સચિવ સિંઘે પીટીઆઈને જણાવ્યું હતું કે પેકિંગ કરેલ માલ અલગ-અલગ જથ્થામાં વેચવામાં આવતો હોવાથી ગ્રાહકો પેકિંગ માલના વેચાણની કિંમત પ્રતિ યુનિટથી વાકેફ હોય તે મહત્વનું છે જેથી તેઓ યોગ્ય વસ્તુ લેવા માટે યોગ્ય નિર્ણય લઈ શકે.
તારીખ લખવાથી શું થશે ફાયદો?
ઉત્પાદનની તારીખ પ્રકાશિત કરવાથી ગ્રાહકોને એ જાણવામાં મદદ મળશે કે પેકિંગ કરેલ ઉત્પાદન કેટલી જૂની છે. આ સાથે જ તેઓ કાળજીપૂર્વક વિચારીને ખરીદીના નિર્ણયો લઈ શકશે. એ જ રીતે યુનિટ દીઠ વેચાણ કિંમત રાખવાથી ગ્રાહકો માટે વસ્તુની કિંમત નક્કી કરવામાં સરળતા રહેશે. ઉદાહરણ તરીકે ઘઉંના લોટના 5 કિલોના પેકેટમાં મહત્તમ છૂટક કિંમત (MRP) પ્રતિ કિલો યુનિટ વેચાણ કિંમત સાથે પ્રકાશિત કરવામાં આવે છે તેજ રીતે એક કિલોગ્રામથી ઓછી માત્રા ધરાવતા તૈયાર ઉત્પાદનના પેકિંગ પર પણ વેચાણ કિંમત પ્રતિ ગ્રામ દિઠ હશે અને ઉત્પાદનની કુલ MRP (મહત્તમ છૂટક કિંમત) પણ હશે.
આ પણ વાંચો: ITR ફાઈલ કરનારની સંખ્યામાં 9%નો વધારો, એક વર્ષમાં 7.51 કરોડથી વધી 8.18 કરોડ થયા