- 14 દિવસમાં 1200 કરોડના સ્ટેમ્પ પેપર ઇશ્યૂ થયા
- છેલ્લો સ્ટેમ્પ 14મી ઓગસ્ટ 2023 સુધી નોંધણી કરાવી શકાશે
- સિંગલ જંત્રી મુજબ ચાર મહિનામાં રૂ.1,12,800 કરોડની મિલકતોના હસ્તાંતરણોની શક્યતા
- 4 મહિનામાં સ્ટેમ્પનો ઉપયોગ નહીં થાય તો 6 મહિનામાં 10 ટકા રકમ કાપી સરકાર પરત લેશે
આજથી ગુજરાતમાં ડબલ જંત્રીની અમલવારી શરૂ થઈ ગઈ છે. હવે રાજ્યમાં મિલકતો ખરીદવી મોંઘી બનશે. જો કે નવા દરો અમલમાં આવે તે પૂર્વે જૂની સિંગલ જંત્રીથી મિલકતોના વેચાણ, હસ્તાતંરણ અંગેની નોંધણી માટે વિતેલા 1લી એપ્રિલથી 14 એપ્રિલની સવાર સુધીમાં રૂપિયા 1200 કરોડની સ્ટેમ્પ ડયુટી ભરીની પક્ષકારો તરફથી સ્ટેમ્પ પેપર લેવાયા છે. જેમાંથી કેટલાકની નોંધણી થઈ ચૂકી છે. પરંતુ, જે દસ્તાવેજ સહિ કરીને (મતુ સાથે) તૈયાર હશે તેવા પૂરેપૂરો સ્ટેમ્પ સહી કર્યાથી ચાર મહિના સુધીમાં નોંધણી થઈ શકશે.
ઉપયોગ ન લીધેલ સ્ટેમ્પ સરકાર પરત લેશે
સ્ટેમ્પ રજિસ્ટ્રેશનના એક્ટના નિયમો મુજબ અર્થઘટન કરીએ તો 14મી એપ્રિલની રાતે 12 વાગ્યા પહેલા જે સ્ટેમ્પ ખરીદી તેમાં પક્ષકારોનું મતુ કરી તે સમયે અમલમાં રહેલી જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટી ભરી હોય તો તેવો તૈયાર થયેલા દસ્તાવેજની નોંધણી સહી કર્યાથી 4 મહિના અર્થાત 14 ઓગસ્ટ 2023 સુધી થઈ શકશે. એક રીતે સિંગલ જંત્રીના આધારે આવા સ્ટેમ્પની મિલકતની નોંધણી થઈ શકશે. જો આવા સ્ટેમ્પનો ઉપયોગ 4 મહિનામાં ન થાયતેવા સંજોગોમાં ઈસ્યુ થયાના 6 મહિનામાં 10 ટકા રકમ કાપીને સરકાર તે પરત લઈ શકે છે.
ચાર મહિનામાં જૂની જંત્રી મુજબ સવા લાખ કરોડની મિલકત નોંધણીની શક્યતા
આમ કાયદા મુજબ ઇ-સ્ટેમ્પિંગ, ફેન્કીંગ કે ઈ- ચલણ ભરીને લેવામાં આવેલા સ્ટેમ્પની વૈધતા ચાર મહિનાની હોવાથી 15 એપ્રિલથી જંત્રીના દર બમણા થાય તે પહેલા સિંગલ જંત્રીએ સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીનો લાભ લેવા એપ્રિલના 14 દિવસમાં રૂ.1200 કરોડના સ્ટેમ્પ ઈસ્યુ થયા છે. 14મી એપ્રિલની સવાર સુધીમાં ઈસ્યુ થયેલા સ્ટેમ્પમાં માત્ર મિલકતની કિંમતના પાંચ ટકા જેટલી ડયુટી લેખે રૂ.1200 કરોડ રકમ સરકારમાં ભરપાઈ થઈ છે. આથી, જંત્રી બમણી થયા પૂર્વે ઈસ્યુ થયેલા સ્ટેમ્પને આધારે આગામી ચાર મહિનામાં સિંગલ જંત્રીને આધારે રૂ.1,18,200 કરોડની મિલકતોની નોંધણી થઈ શકે છે. તેમ સ્ટેમ્પ વેન્ડર અને રજિસ્ટ્રેશન સાથેની સાથે જોડાયેલાઓની ઘારણા છે.