ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળથી અફઘાનિસ્તાન સુધી ધ્રૂજી ધરતી, ફરી એક વખત અનુભવાયો ભૂકંપ

  • નેપાળમાં સવારે 4:38 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો  
  • અફઘાનિસ્તાનમાં મધ રાત્રિના 1:25 કલાકે 4.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
  • ઉત્તર પ્રદેશના આયોધ્યામાં પણ રાત્રિના 1 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો 

વિનાશકારી ભૂકંપનો સામનો કરી રહેલા નેપાળ તેમજ છેલ્લા મહિનામાં બેથી વધુ ભૂકંપનો સામનો કરી ચૂકેલા અફઘાનિસ્તાનમાં રવિવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં સવારે 4:38 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જ્યારે અફઘાનિસ્તાનમાં મધ રાત્રિના 1:25 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 4.5ની માપવામાં આવી હતી. તો ઉત્તર પ્રદેશના આયોધ્યામાં પણ રાત્રિના 1 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેપાળમાં શુક્રવારે રાત્રિનાં સમયે હચમચાવી નાખનાર 6.4ની તીવ્રતાના ભૂકંપે તારાજી સર્જી હતી.

નેપાળના લોકોમાં વારંવાર ભૂકંપથી ભયનો માહોલ સર્જાયો

 

નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું હતું કે, “નેપાળમાં ભૂકંપ રવિવારે સવારે 4:38 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું.” ઉલ્લેખનીય છે કે, નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ બાદ શનિવારે બપોરે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વારંવાર ભૂકંપના કારણે નેપાળના લોકો ભયમાં જીવવા મજબૂર બન્યા છે.

છેલ્લા મહિનામાં અફઘાનિસ્તાનમાં બેથી વધુ ભૂકંપ અનુભવાયા  

 

નેશનલ સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યા અનુસાર, “અફઘાનિસ્તાનમાં મધ રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.” અફઘાનિસ્તાનમાં છેલ્લા એક મહિનામાં અનેક વખત ભૂકંપ આવ્યા છે. ગયા અઠવાડિયે જ અફઘાનિસ્તાનમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ઑક્ટોબરની શરૂઆતમાં, હેરાત પ્રાંતમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં 4,000થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો મકાનો ધરાશાયી થયા હતા. ભૂકંપના જોરદાર આંચકાએ હેરાત અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધા હતા.

અયોધ્યામાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા

 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પણ રવિવારે મોડી રાત્રે  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અયોધ્યામાં રાત્રિના લગભગ 1 વાગે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 3.6 આંકવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, “ભૂકંપનું કેન્દ્ર અયોધ્યાથી 215 કિમી ઉત્તરમાં 10 કિમીની ઊંડાઈએ હતું. આ પહેલા શુક્રવારે યુપી સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.”

 

આ પણ જુઓ :નેપાળમાં 6.4 તીવ્રતાના ભૂકંપથી તબાહી સર્જાઈ, 128નાં મૃત્યુ

Back to top button