જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે


નવી દિલ્હી, 26 માર્ચઃ પીએફ ધારકો માટે કેન્દ્ર સરકારે સારા સમાચાર આપ્યા છે. હવે પોતાના પ્રોવિડન્ટ ફંડ – પીએફમાંથી નાણાં ઉપાડવાના કાર્યને વધુ સરળ બનાવવામાં આવ્યુ છે એટલે કે હવે તમારે પીએફ ઓફિસની નાણાંની જરૂરિયાત માટે અરજી કરવી પડશે નહી. કેમ કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ની રકમ ઉપાડવાનું શક્ય બનાવવા ટૂંક સમયમાં એક ક્રાંતિકારી સિસ્ટમ અમલમાં મૂકવા જઇ રહ્યું છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરનાર ઓર્ગેનાઇઝેશન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની ભલામણોને મંજૂરી આપી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ જણાવ્યું હતું કે પીએફ સભ્ય ચાલુ વર્ષે મેના અંતમાં અથવા જૂનમાં યુપીઆઇ અને એટીએમના માધ્યમથી પીએફના નાણા ઉપાડી શકશે.
વધુમાં પીએફના સભ્ય ડાયરેક્ટ યુપીઆઇ પર પોતાના પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે. તાત્કાલિક એક લાખ રૂપિયા ઉપાડી શકશે અને ટ્રાન્સફર માટે પોતાના બેંક ખાતાની પસંદગી કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે સંગઠને નિયમો સરળ બનાવી દીધા છે અને નાણા ઉપાડવાના વિકલ્પોનો વિસ્તાર કર્યો છે. ઇપીએફઓના સભ્યો હવે વર્તમાન બિમારી જોગવાઇઓ ઉપરાંત મકાન, શિક્ષણ અને લગ્ન માટે પણ નાણાં ઉપાડી શકે છે.
સુમિતા ડાવરાએ જણાવ્યું હતું કે ઇપીએફઓએ પોતાની તમામ પ્રક્રિયાઓને ડિજિટલ બનાવવામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ સાધી છે. તેમણે જણાવ્યું હતું કે પીએફમાંથી નાણા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સુવ્યસ્થિત બનાવવા માટે 120 ડેટાબેઝને એકત્ર કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે જ દાવા પ્રક્રિયાનો સમય ઘટાડીને ત્રણ દિવસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 75 ટકા દાવા સ્વચાલિત છે. તાજેતરના સુધારાઓ પછી પેન્શનધારકોને પણ અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. ડિસેમ્બરથી અત્યાર સુધી 78 લાખ પેન્શનધારકોને કોઇ પણ બેંક શાખામાંથી નાણા ઉપાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચોઃ જાણીતા સિંગર સોનુ નિગમના લાઈવ કોન્સર્ટમાં અફરાતફરી, ચાહકોએ પથ્થરો ફેંક્યા, જુઓ વીડિયો