23 જાન્યુઆરીથી તમે પણ કરી શકશો રામલલાના દર્શન, જાણો જતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું?
- રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે, રામલલાના દર્શન સવારે 7 થી 11:30 અને બપોરે 2 થી 7 વાગ્યા સુધી કરી શકાશે
અયોધ્યા, 22 જાન્યુઆરી: અયોધ્યાના રામમંદિરમાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આજે રામ મંદિરને સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું ન હતું. પરંતુ આવતી કાલે એટલે કે 23 જાન્યુઆરીથી દરેક લોકો રામલલાના દર્શન કરી શકશે. આવતી કાલે અયોધ્યામાં ઘણી ભીડ જોવા મળી શકે છે. જોકે રામલલાના દર્શન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
શું રહેશે રામલલાના દર્શનનો સમય?
અયોધ્યા આવતા ભક્તો સવારે 7 થી 11:30 સુધી રામલલાના દર્શન કરી શકશે. આ પછી મંદિરના દરવાજા બપોરે 2 વાગ્યેથી સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રહેશે. રામલલાની દિવસમાં બે વખત આરતી થશે. સવારની શ્રૃંગાર આરતી 6:30 વાગ્યે થશે. આ પછી સાંજની આરતી સાંજે 7:30 કલાકે થશે.
આરતીમાં હાજરી આપવા માટે પાસ જરૂરી
જો કોઈને આરતીમાં હાજરી આપવી હોય તો તેમને પાસની જરૂર પડશે. આ પાસ અયોધ્યા રામ મંદિરની સત્તાવાર વેબસાઇટ પરથી લઈ શકાય છે. જો કે સામાન્ય દર્શન માટે પાસની જરૂર રહેશે નહીં. આરતી માટે પાસ મેળવવા માટે તમારે વેબસાઈટમાં તમારો મોબાઈલ નંબર નાખવો પડશે અને ત્યાર બાદ એક OTP આવશે. જરૂરી માહિતી આપ્યા પછી મંદિરના પ્રવેશદ્વાર પરથી પાસ ડાઉનલોડ અથવા લઈ શકાય છે.
આરતી માટે પાસ ઑફલાઈન પણ મળશે
રામલલાની આરતી માટે ઓનલાઈન સિવાય ઑફલાઈન પાસ પણ મેળવી શકાશે. સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ માન્ય આઈડી પ્રૂફ આપ્યીને કેમ્પ ઓફિસમાંથી પાસ મેળવી શકાય છે. એક વખતની આરતીમાં માત્ર 30 લોકોને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં “વહેલા તે પહેલા”ના ધોરણે પાસ આપવામાં આવશે. પાસ મેળવ્યા બાદ લોકોએ આરતીના અડધા કલાક પહેલા મંદિર પરિસરમાં પહોંચવું પડશે.
આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ખુશીથી ઝુમી ઉઠી કંગનાઃ લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા