22 જાન્યુઆરીથી અંબાજીમાં યાત્રાળુઓને અંબિકા ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન અપાશે
અંબાજી, 20 જાન્યુઆરી 2024, ગુજરાતમાં સ્થિત શક્તિપીઠ અંબાજીમાં હવે મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે. તેની સાથે અન્ય સુવિધાઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. યાત્રાધામમાં પાર્કિગ, ભોજન, સ્વચ્છતા અને ડિજિટલ ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જેમાં હવે નવિન પ્રકલ્પો કાર્યરત કરવામાં આવ્યાં છે. ભારત સરકાર દ્વારા પણ યાત્રાધામમાં વિવિધ વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓને હવે અંબાજી મંદિર ટ્રસ્ટના ભોજનાલયમાં નિ:શુલ્ક ભોજન મળશે. તે ઉપરાંત યાત્રાળુઓને અધ્યતન પાર્કિંગની સુવિધાઓ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન
અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. હાલમાં યાત્રિકો પાસેથી ટોકન દર લઈ ભોજન આપવામાં આવે છે. આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનું સંચાલન અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ માટે ટ્રસ્ટની દેખરેખ હેઠળ એક કમિટિ બનાવાશે. આ કમિટિમાં સભ્યો તરીકે વિવિધ દાતાઓ, પદયાત્રિ સંઘના પ્રતિનિધિઓ, સેવા કેમ્પના પ્રતિનિધિ તથા ભાદરવી પુનમીયા સંઘના પ્રતિનિધિઓનો પણ દાતા તરીકે સમાવેશ કરવામાં આવશે.આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. અંબાજી તીર્થધામમાં દાતાઓ એક થાળી માટે રૂપિયા 51નું દાન, દિવસમાં એક ટાઈમ ભોજન દાન માટે રૂપિયા 51 હજાર અને સમગ્ર દિવસ માટે રૂપિયા 1.11 લાખ દાન સ્વરૂપે અંબિકા ભોજનાલય, અંબાજી મંદિરની ટેમ્પલ ઈન્સપેકટર કચેરી ખાતે આપી શકશે.
પાર્કિંગ પ્લોટ અદ્યતન કરવા બાબત
અંબાજી શક્તિપીઠમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જાહેર રજાના દિવસોએ શનિવાર અને રવિવાર તથા ઉત્સવોમાં વિશેષ રીતે ટ્રાફીક મેનેજમેન્ટ કરવાની જરૂરીયાત ઉભી થાય છે. અંબાજી મંદિર હસ્તક હાલમાં અંબાજી ખાતે ૪ તથા ગબ્બર ખાતે ૫ પાર્કિંગ પ્લોટ છે.પાર્કિંગ પ્લોટ પૈકી પ્રાયોગિક ધોરણે શતિધ્વારની સામેના પાર્કિંગ પ્લોટમાં ઓટોમેટીક બુમ બેરીયર અને ફાસ્ટ ટેગ જેવી સુવિધાઓથી સંચાલન કરવાનું નકકી કરવામાં આવ્યું છે.હાલ પ્રાયોગીક ધોરણે શકિતઘ્વારની સામેના પાર્કિંગને ઓટોમેટેડ સિસ્ટમથી કાર્યરત કરવામાં આવશે.
જનભાગીદારીથી મલ્ટીપરપજ ડોમ
યાત્રાળુઓ માટે ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ નવી ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર ભોજનાલય બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. હાલમાં અંબિકા ભોજનાલયનું મકાન જુનુ થઈ ગયેલ છે. 22 જાન્યુઆરીથી વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવનાર છે. અંબાજીમાં ભાદરવી પૂનમ જેવા ઉત્સવોમાં મલ્ટી પરપજ ડોમની આવશ્યકતા હોય છે. અંબિકા ભોજનાલયની પાછળ જુના ભોજનલાયનું મકાન જર્જરીત થઈ જવાના કારણે તોડી દેવામાં આવેલ છે. આ જગ્યાએ નવીન ડોમનું કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ડોમ બનાવવા માટે સેવા કેમ્પ, સંઘો અને દાતાઓના સહયોગ અને દેવસ્થાન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે બનાવવમાં આવશે. આ મલ્ટી પરપજ ડોમમાં ભોજનાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અગરબત્તી અને કાપડની કેરી બેગ
બનાસકાંઠાના વાડીયા ગામની આર્થિક રીતે જરૂરીયાતમંદ બહેનો ધ્વારા ગૃહઉદ્યોગના ભાગરૂપે અગરબત્તી બનાવવાની કામગીરી શરૂ કરેલ છે.તેઓ ધ્વારા આ અગરબત્તી બનાવી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ. આ બહેનોને સ્વ-રોજગારીની તક મળે તે માટે તેમના ધ્વારા બનાવેલ અગરબત્તીઓનું વેચાણ અંબાજી મંદિરના ધાર્મિક સાહિત્ય કેન્દ્ર, ચાચરચોક ખાતેથી વેચાણ કરવાનું આયોજન કરેલ છે.
સ્વચ્છતા અભિયાન હેઠળ બોટલ ક્રેસર મશીન
યાત્રાધામ અંબાજીમાં પ્લાસ્ટીકની બોટલનો પધ્ધતિસર બોટલનો નિકાલ થાય અને સ્વચ્છતાના અભિયાનમાં સહયોગ થાય તે માટે SBI બેંકના સહયોગથી સીએસઆર એકટીવીટ હેઠળ બોટલ ક્રસર મશીન ભેટમાં આપવામાં આવેલ છે. આ મશીનમાં પ્લાસ્ટીકની બોટલ નાંખવાથી ઓટોમેટીક ક્રસ થઈ જશે અને આ ક્રસ થયેલ વેસ્ટનો જરૂરીયાત મુજબનો અન્ય ઉપયોગ કરી શકાશે. ઉપયોગ થયેલ પ્લાસ્ટીકની બોટલ ક્રસ થવાથી વાતાવરણમાં પ્લાસ્ટીકનો પ્રદુષણ ફેલાતો અટકાશે.
આ પણ વાંચોઃટૂંક સમયમાં અંબાજીનો મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ માઈભક્તો ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશે