કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ દિવાળીએ ગુજરાત સહિત દેશભરમાં ઠેરઠેર વોકલ ફૉર લોકલ અભિયાન

  • દિવાળીના અવસર પર PMની ફરી એકવાર ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા લોકોને વિનંતી
  • સ્થાનિક કારીગરોના ઉત્પાદનો સાથે સેલ્ફી લઈ ‘નમો એપ’ પર શેર કરવા વડાપ્રધાને કર્યું આહવાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર લોકોને દિવાળીના અવસર પર ‘વોકલ ફોર લોકલ‘ને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. પીએમ મોદીએ લોકોને સ્થાનિક રીતે ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવા અને તે ઉત્પાદન અથવા તેના ઉત્પાદક સાથે ‘નમો એપ’ પર સેલ્ફી શેર કરવા માટે આહવાન કર્યું છે. વડાપ્રધાનની આ પહેલ સ્થાનિક સામાનના વેચાણને પ્રોત્સાહન આપવા અને આજીવિકાની કટોકટીનો સામનો કરી રહેલા સ્થાનિક ઉદ્યોગસાહસિકો, કારીગરો અને કારીગરોને મજબૂત બનાવવાની છે. કેન્દ્ર સરકારમાં સત્તા સંભાળ્યા પછી, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેનારા વડાપ્રધાન મોદી ‘વોકલ ફોર લોકલ‘ના મંત્રની મદદથી લોકોને આ અભિયાન સાથે જોડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન ભાગરૂપે “પ્રોડક્ટ અથવા આર્ટિસન સાથે સેલ્ફી”ની પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોએ દિવાળી માટે સ્થાનિક અથવા સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને આવી વસ્તુઓ સાથે સેલ્ફી લઈને નમો એપમાં મોકલવાની રહેશે. જેથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે. આ તમામ સેલ્ફીઓમાંથી કોઈ એક સેલ્ફી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવશે.

 

વોકલ ફોર લોકલવાળી દિવાળી ઉજવવા દેશવાસીઓને અપીલ

દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોને વોકલ ફોર લોકલવાળી દિવાળી ઉજવવા અપીલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત રાયગઢના સુહિત જીવન ટ્રસ્ટ સ્કૂલના દિવ્યાંગ મિત્રોને મળ્યા હતા અને તેમણે સુંદર હાથથી બનાવેલી લાઈટો-જ્યુટના સુંદર ઉત્પાદનો ભેટમાં આપ્યા હતા. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા નાના અને સ્થાનિક કારીગરો અને ઉદ્યોગપતિઓને માત્ર આર્થિક અને ટેકનિકલ સહાય જ નથી આપી રહી, પરંતુ સ્થાનિક કારીગરો અને ઉત્પાદનો પ્રત્યે સામાન્ય લોકોની લાગણીને એક અભિયાનનું સ્વરૂપ આપવા માંગે છે.

નાના વેપારીઓ પાસેથી દિવાળીની ખરીદી કરવા જામનગરની બાળકીની અપીલ

jamnagar vocal for local

દેશભરમાં વોકલ ફોર લોકલ અભિયાનને જોરદાર વેગ મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ નાના મોટા સૌ કોઈ લોકો દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી નાના વેપારીઓની દિવાળી સુધરે તે હેતુથી તેમના પાસેથી ખરીદી કરી રહ્યા છે. જામનગર શહેરમાં એક મહિલા વેપારી પાસેથી ઝાંખી નામની બાળકીએ દિવડાની ખરીદી કરતા બે ઘરોમાં ખુશીઓની દિવાળી ઉજવાશે. તેણીએ દીવડાની ખરીદી કરી લોકોને પણ અપીલ કરી હતી કે, “મેં એક બહેન પાસેથી દીવડાની ખરીદી કરી છે. તો આપ સૌ પણ દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો.” દરેક તહેવારની જેમ દિવાળીના તહેવારમાં પણ વોકલ ફૉર લોકલનો ભાગ બની પોતાના ઘરને સજાવો, જેમાં દેશવાસીઓની મહેનતના પરસેવાની સુવાસ હોય.

આ પણ જુઓ :દિવાળી નિમિતે 51 ઘાટ પર 24 લાખ દીવા પ્રગટાવી ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવવા અયોધ્યા સજજ

પ્રકાશ પર્વ એવો દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને તહેવાર માટેની ખરીદીનો ધમધમાટ ચાલુ  છે, ત્યારે આ વખતે એક દ્રઢ નિશ્ચય કરીએ કે, કોઈપણ વસ્તુની ખરીદી વિદેશી સાઇટ્સ કે શોરૂમમાંથી કરવા કરતાં સ્થાનિક બજારોમાંથી જ કરીશું. દિવાળીને પ્રકાશનો પર્વ છે ત્યારે દિવાળીમાં દીપકનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓ પાસેથી લીધેલો આ એક દીવડો બે ઘરમાં અજવાળું પાથરે છે. આપણે દીવડો લઈ અને ઘરે પ્રજ્વલિત કરીએ ત્યારે ઘરે તો એ અજવાળું કરે જ છે પરંતુ સાથે સાથે જે ગૃહ ઉદ્યોગ પાસેથી કે વેપારી પાસેથી દીવડાની ખરીદી કરી છે તેમના ઘરે અને તેમની સાથે જોડાયેલા નાના એવા કારીગરોના ઘરે પણ પ્રકાશનું કિરણ પથરાય છે. 

મોરબીના દિલીપભાઈ વામજા અને તેમનાં પત્ની અનિલાબેન વામજા તેમજ તેમના ભાઈ હિતેશભાઈ વામજા ત્રણે સાથે મળી એક ગૃહ ઉદ્યોગનું સંચાલન કરે છે. તેમની સાથે ૪૦ થી ૫૦ જેટલી બહેનો પણ ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે.

દીવડા, મોરબી-HDNews
દીવડા-મોરબી- ફોટો સૌજન્ય માહિતી ખાતું,મોરબી

ગૃહ ઉદ્યોગના સંચાલક હિતેશભાઈ વામજા જણાવે છે કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વોકલ ફોર લોકલ પહેલ શરૂ કરી છે તેનાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. લોકો સ્થાનિક બજારોમાંથી વસ્તુ ખરીદશે જેનાથી નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો તેમજ તેની સાથે જોડાયેલા અનેક લોકોની દિવાળી સુધરશે. અમે છેલ્લા દસ વર્ષથી આ દીવડાનો ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ જેમાં અમે અનેક પ્રકારના દીવડા બનાવીએ છીએ. અમારા ગૃહ ઉદ્યોગ સાથે ૪૦ થી ૫૦ જેટલી બહેનો જોડાયેલી છે જે બહેનો દીવડા બનાવવાનું તેમજ તેને રંગ-રોગાન કરવાની કામગીરી કરે છે. કેટલીક બહેનો અહીં ગૃહ ઉદ્યોગમાં આવીને કામ કરે છે તો ઘણી બહેનો ઘરેથી જ કામ કરી આ ગૃહ ઉદ્યોગમાં સહભાગી બને છે. આ દિવડા બે ઘરમાં અજવાળું કરે છે એક તો જે ખરીદે તેમના ઘરે અને બીજું આ ઉદ્યોગો સાથે જોડાયેલા નાના કામદારોના ઘરમાં. સરકારે જ્યારે આ નાના લોકોના પરિશ્રમને અજવાળવા એક પહેલ કરી છે ત્યારે હું પણ અપીલ કરું છું કે અમારા જેવા નાના ઉદ્યોગો પાસેથી તમે દીવડા તેમજ અન્ય વસ્તુની ખરીદી કરી નાના લોકોને સહભાગી બનજો અને તેમની દિવાળી દીપાવજો”.

દીવડા, મોરબી-HDNews
દીવડા-મોરબી- ફોટો સૌજન્ય માહિતી ખાતું,મોરબી

તો ચાલો આપણે પણ આ વોકલ ફોર લોકલ પહેલમાં સહભાગી બનીને આવા નાના ઉદ્યોગો તેમજ ગૃહ ઉદ્યોગો પાસેથી વસ્તુઓની ખરીદી કરી તેમના પરિશ્રમને જરૂરથી અજવાળીએ.

આ પણ વાંચોઃ મન કી બાત: PM મોદીએ મન કી બાતના 100મા એપિસોડમાં કહ્યું- આ કાર્યક્રમ એક જન આંદોલન બની ગયો છે

Back to top button