1 એપ્રિલથી જ્વેલર્સ માત્ર HUID દાગીના જ વેચી શકશે. જેમાં ગ્રાહકોને ફાયદો થશે. તથા ફરજિયાત HUID હોલમાર્ક યુનિક આઈડી વાળી જ જ્વેલરી વેચી શકાશે. તેમાં સુરતમાં 2500 જ્વેલર્સ સામે 15 જેટલા જ હોલમાર્કિંગ સેન્ટર છે. તથા યુએચઆઈડી નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ થઇ જશે. ભારતમાં સોનાના વેચાણને લઇને નવા નિયમો આવી રહ્યા છે અને તે આગામી 1 એપ્રિલથી અમલી બનશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, 1 એપ્રિલ, 2023થી દેશમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) નંબર વિના સોનાના દાગીના અને સોનાની ચીજવસ્તુઓના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
દેશમાં માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક કોડને મંજૂરી આપવામાં આવશે
ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે, “ગ્રાહકના હિતમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 માર્ચ, 2023 પછી HUID હોલમાર્ક વગર સોનાના દાગીના અને સોનાના આર્ટીકલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. HUID વગર ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટીકલ્સના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ HUID ચાર અંકનો હતો. અત્યાર સુધી બજારમાં HUID (4અને 6-અંક) બંનેનો ઉપયોગ થાય છે. અમે જણાવી રહ્યા છીએ કે, 31 માર્ચ, 2023 બાદ દેશમાં માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક કોડને મંજૂરી આપવામાં આવશે.”
HUID શું છે?
HUID એ 6 અંકનો યુનિક આલ્ફાન્યૂમેરિક કોડ છે જેમાં સંખ્યા અને અક્ષરોનો બનેલો હોય છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોલમાર્કિંગના સમયે દરેક સોનાના દાગીનાને HUID આપવામાં આવશે અને તે દરેક દાગીના માટે યુનિક / અલગ હશે. આ યુનિક અંકને હોલમાર્કિંગ સેન્ટરો પર સોનાના દાગીનાની પર મેન્યુઅલી રીતે અંકિત કરવામાં આવે છે. કન્ઝ્યુમર વિભાગના જણાવ્યા અનુસાર, HUID જ્વેલરીના વ્યક્તિગત ટુકડાને ટ્રેસ કરવાનું સરળ બનાવે છે અને ગુણવત્તાની ખાતરી આપે છે.
સુરત શહેરમાં 2500 જ્વેલર્સ સામે માત્ર 15 હોલમાર્કિંગ સેન્ટરો
1 એપ્રિલથી જ્વેલર્સ માત્ર HUID દાગીના જ વેચી શકશે, જેનાથી બ્લેકમાં વેચાતું સોનુ બંધ થશે. બીજી તરફ સુરત શહેરમાં 2500 જ્વેલર્સ સામે માત્ર 15 હોલમાર્કિંગ સેન્ટરો હોવાથી વેપારીઓની સમસ્યા વધી જશે. જે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે છે તે તેની જરૂરિયાત પ્રમાણે જ મળે એટલા માટે સરકાર દ્વારા હવે નિયમ બનાવ્યો છે. જેમાં જ્વેલર્સો 1લી એપ્રિલથી માત્ર યુએચઆઈડી નંબર વાળી જ જ્વેલરીનું વેચાણ કરી શકશે. જ્વેલરીમાં 14, 16, 18, 20 અને 22 કેરેટની જ્વેલરી હોય છે. અમુક જ્વેલર્સો દ્વારા ગ્રાહક દ્વારા માંગવામાં આવે તેના કરતાં નીચેના કેરેટની જ્વેલરી ગ્રાહકને પધરાવી દેવામાં આવતી હોય છે.
યુએચઆઈડી નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ
સરકાર દ્વારા આવનાર નવા નિયમને લઈને બીએસઆઈ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)માં રજીસ્ટ્રેશન થશે. એટલે કેટલા ગ્રામ, કેટલા કેરેટની જ્વેલરી છે તેની પણ જાણકારી ગ્રાહક આ યુએચઆઈડી નંબર દ્વારા જાણી શકશે. બીજી તરફ અમુક જ્વેલર્સો દ્વારા બ્લેક માર્કેટમાં દાગીનાનું વેચાણ કરવામાં આવતું હોય છે. યુએચઆઈડી નંબરને કારણે બ્લેકમાં દાગીના મળતા બંધ થશે.