ગાંધીનગર, 24 જુલાઈ 2024 : બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન ફાટી નીકળતા હાલ હિંસાનો માહોલ સર્જાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. આવા તોફાની માહોલ દરમિયાન બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે મળીને હાથ ધરેલા તાત્કાલિક સંકલનના પરિણામે MBBSના અભ્યાસ માટે ગયેલા 14 વિદ્યાર્થીઓ હેમખેમ પરિવાર પાસે પરત ફર્યા છે. કોરોના મહામારીના સમયથી માંડીને આજ દિન સુધીમાં લગભગ 4,92,701 ગુજરાતી નાગરિકોને વિવિધ દેશોમાં સર્જાયેલી સમસ્યાઓની વચ્ચેથી બહાર કાઢીને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.
4,90,701 ગુજરાતી નાગરિકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા
કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વભરમાં લોકડાઉન જાહેર થયું હતું, જેના કારણે વિશ્વના વિવિધ દેશોમાં ભારતીયો ફસાઈ ગયા હતા. તે સમયે વિશ્વભરમાં ફસાયેલા ભારતીયોને ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ દ્વારા વતન પરત લાવવા માટે ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા ‘વંદે ભારત મિશન’ હાથ ધરવામાં આવ્યું હતું.વંદે ભારત મિશનની કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગુજરાત એરપોર્ટ પોલીસ, ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ, જિલ્લા પંચાયત અમદાવાદ, સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગે સાથે મળીને કામ કર્યું હતું.કોવિડ-19ના સમયગાળા દરમિયાન વંદે ભારત મિશન હેઠળ કુલ 4,90,701 ગુજરાતી નાગરિકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા.
ગુજરાતીઓને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
આ ઉપરાંત, 11 જૂન, 2020ના રોજ આઇએનએસ શાર્દુલ નામક જહાજમાં 233 ગુજરાતી માછીમારોને પોરબંદરના બંદર પહોંચાડવામાં આવ્યા હતા. તેમને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા જિલ્લા સરકારી ક્વોરન્ટીન સેન્ટર ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કોરોનાના સમય દરમિયાન 42 જેટલા ગુજરાતીઓ પાકિસ્તાનમાંથી વાઘા બોર્ડરથી પરત આવ્યા હતા.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનમાં ઘણી તંગ પરિસ્થિતિઓ સર્જાઈ છે. જેના કારણે, યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ છે. ગુજરાત સરકારના એનઆરઆઇ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ યુક્રેન ભણવા ગયેલા 1386 બિન-નિવાસી ગુજરાતીઓને રાજ્યમાં પરત લાવવામાં આવ્યા છે.સુદાનમાં અર્ધલશ્કરી દળો અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધને કારણે અનેક ભારતીયો સુદાનમાં ફસાયા છે. સુદાનમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન કાવેરી’ હાથ ધરવામાં આવ્યું.ઓપરેશન કાવેરી હેઠળ 569 બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધના કારણે ઇઝરાયેલમાં પણ ભારતના અનેક નાગરિકો ફસાયા છે, જેમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન અજય’ હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન અજય હેઠળ અત્યારસુધીમાં 30 બિન-નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃગુજરાતના વેપારીઓને ફાયદોઃ અમદાવાદમાં ભારત-આશિયાન ટ્રેડ કાઉન્સિલનું કાર્યાલય શરૂ થયું