ફટાકડા ફોડવા બદલ પાડોશીએ હુમલો કરી દેતાં ભયભીત હિન્દુઓ મકાન વેચવા મજબૂર
ચંડીગઢ, 1 નવેમ્બર, 2024: હરિયાણામાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બદલ પાડોશી મુસ્લિમોએ હુમલો કરતાં કૉલોનીના હિન્દુઓ ભયભીત છે અને હવે મકાનો વેચવાની તૈયારી કરી રહ્યા છે.
આ સ્થિતિ ઊભી થઈ છે હરિયાણાના વલ્લભગઢમાં આવેલી સુભાષ કૉલોનીમાં. અહીં હિન્દુઓએ તેમના ઘરના દરવાજે “આ મકાન વેચવાનું છે” એવાં પોસ્ટર લગાવ્યા છે. તેનું કારણ એ છે કે, ગઈકાલે દિવાળીના દિવસે એક પરિવારના બાળકે ફટાકડા ફોડ્યા હતા પરંતુ પાડોશી મુસ્લિમોને એ પસંદ પડ્યું નહોતું અને તેમણે એ પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો.
ઈન્ડિયા ટીવીના એક અહેવાલ અનુસાર, હિન્દુ પરિવારનો બાળક ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે પાડોશી મુસ્લિમો છોકરાઓએ તેને ધમકાવીને ફટાકડા નહીં ફોડવા જણાવ્યું હતું. આથી નારાજ થયેલી બાળકની માતા મુસ્લિમ પરિવારને ફરિયાદ કરવા ગઈ હતી. જોકે, તેની ફરિયાદ સાંભળવાને બદલે એ પરિવારે આ હિન્દુ મહિલા ઉપર લાકડીઓ અને ઈંટો વડે હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં પરંતુ એ હિન્દુ પરિવારના ઘર ઉપર જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો જેને કારણે ઘરનો મુખ્ય દરવાજો પણ તૂટી ગયો.
કહેવાય છે કે આ ઘટનાનાં દૃશ્યો એ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. એવા પણ આરોપ છે કે, લઘુમતી સમુદાયના છોકરાઓએ પીડિત પરિવારની પુત્રીની છેડતી પણ કરી હતી. યુવતીનાં કપડાં ફાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પીડિત પરિવારની મહિલા અને તેની પીડિતાની પુત્રીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સમયાંતરે હિન્દુ પરિવારો પર હુમલા, ઝઘડા અને મહિલાઓની છેડતી થાય છે. પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવે છે, પરંતુ ઘણા પરિવારો મુશ્કેલીના કારણે અહીંથી હિજરત કરી ચૂક્યા છે અને હવે તેમના ઘરો વેચવા માટે તેમના ઘરની બહાર પોસ્ટરો લગાવી દીધા છે. પીડિતાના પરિવારે પોસ્ટર પર સ્પષ્ટ લખ્યું છે કે આ ઘર વેચાણ માટે છે, પસંદગીથી નહીં પરંતુ મજબૂરીથી.
પીડિત પરિવારની પુત્રીએ જણાવ્યું કે ભાઈ ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો અને તેના કારણે પાડોશમાં રહેતા લઘુમતી પરિવારનો એક છોકરો બહાર આવ્યો અને હુમલો કર્યો. તેના પિતાને પણ થપ્પડ મારવામાં આવી છે. આ પછી વિસ્તારના 50-60 લોકોએ ઘર પર પથ્થરો વડે હુમલો કર્યો. અમારો મુખ્ય દરવાજો પણ તૂટી ગયો હતો અને જ્યારે અમે બધા પોતાને બચાવવા માટે ઘરની અંદર ગયા અને દરવાજો બંધ કર્યો ત્યારે તેઓએ પહેલા બહારથી દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો.
પીડિત પરિવારની મહિલાએ કહ્યું કે જ્યારે તેણે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી કે તે ચૂપ રહે અને ફરિયાદ પાછી ખેંચી લે, નહીં તો કાશ્મીરમાં હિન્દુઓની આવી જ હાલત થશે. પોલીસે આજુબાજુમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ મેળવ્યા છે. હાલ પોલીસે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ દિવાળીના તહેવાર પર 800 કિલો ગૌમાંસની દાણચોરીનો પર્દાફાશ, આરોપી પોલીસની કસ્ટડીમાં