ચોમાસામાં તળેલી વસ્તુઓ ખાવી પડશે મોંઘી, ખાદ્યતેલના ભાવમાં ભડકો!
ચોમાસાની શરુઆત થતાં જ અનેક જગ્યાએ શાકભાજીના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં પણ ફરી એક વખત વધારો થયો છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિયન તેલના ભાવમાં વધારો થયો છે.
ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો
ચોમાસાની સિઝન શરુ થતાની સાથે જ લોકોને મોંઘવારીનો એક પછી એક માર પડી રહ્યો છે. શાકભાજી, કઠોળ, તેમજ અન્ય ખાદ્યચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે સામાન્ય માણસને ઘર ચલાવવું ખુબ મુશ્કેલ બની ગયું છે. ત્યારે રાજ્યના લોકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં પણ ફરી એક વખત ભડકો જોવા મળી રહ્યો છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિયન તેલના ભાવમાં વધારો થયો છે.
જાણો કેટલો વધ્યો ભાવ
સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરીથી રુ. 20નો વધારો થયો છે. બે દિવસમાં રુ. 35ના વધારા સાથે ડબ્બાનો ભાવ રુ. 2790 થી 2840 થયો છે. જ્યારે કપાસિયા તેલમાં પણ ડબ્બે રુ. 25 વધ્યા છે. તેમજ પામ તેલના ડબ્બામાં રૂપિયા 20 નો વધારો ઝીંકાયો છે.
ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા
મહત્વનું છે કે ચોમાસામાં લોકો ગાંઠિયા, ભજીયા જેવી તળેલી અને ટેસ્ટી વસ્તુઓ વધુ આરોગતા હોય છે. તેમજ તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે સિંગતેલના ભાવમાં સતત ભાવવધારાના કારણે ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે.