સુરેન્દ્રનગર: ઉનાળમાં શહેર અને જિલ્લામાં પાણીની પળોજણ ચાલી રહી છે. શહેરમાં તો ઠીક પણ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં ભરઉનાળે પાણીની તંગીને લઇને ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. ગામમાં આવતા પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા મહિલાઓ વચ્ચે પડાપડી થતાં ઘર્ષણના દ્રશ્યો રોજીંદા જોવા મળે છે. તેમ છતાં સરકારી અધિકારીઓ અને નેતાઓ હજી પણ નલ સે જલ યોજનાની ગુલબાંગો પોકારી રહ્યાં છે ત્યારે પાણીની પારાયણથી કંટાળેલા ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામ લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં છેવાડામાં આવેલું ગામ છે. ગામની વસ્તી અંદાજે 12 હજારથી વધુ છે અને 10 હજારથી વધુ પશુધન છે. આ ગામમાં મોટા ભાગે આદિવાસીઓની વસ્તી હોવાથી સરકાર દ્વારા આદમજૂથ સહાય અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇન નાંખવામાં આવી છે તેમજ વિશાળ ટાંકી પણ બનાવવામાં આવી છે. પરંતુ પાઇપલાઇનમાં આગળના ગામોમાં પંચર કરી ગેરકાયદેસર પાણી લઇ લેવાતા નાની કઠેચી ગામ સુધી પાણી પહોંચતુ જ નથી. જેથી ગ્રામજનો વેચાતુ પાણી લેવા પણ મજબુર બને છે ત્યારે હાલ સરકાર દ્વારા પાણીના ટેન્કર તો શરૂ કરાયા છે પરંતુ એક જ ટેન્કર છે જે દિવસમાં માંડ ત્રણ ફેરા કરી શકે છે એટલે 12 હજારથી વધુની વસ્તી માટે આખા દિવસમાં માંડ 60 હજાર લીટર પાણી આવે છે. તેથી પાણી માટે ગ્રામજનોમાં પડાપડીના દ્રશ્યો સર્જાય છે. બળબળતા બપોરે પણ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પાણી ભરવા મજબુર બને છે અને એક બેડા પાણી માટે ઝપાઝપી અને ક્યારેક ઝઘડો પણ થાય છે. ગામને પાણી પુરૂ પાડતી લાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ લઇ પાણી ચોરી કરતા શખ્સો પર તંત્ર કાર્યવાહી કરે અને પાણીના વધુ ટેન્કર ફાળવવા માટે સ્થાનિકો વારંવાર રજુઆત કરી ચુક્યા છે. તેમ છતાં તંત્રના કે રાજકીય નેતાઓના પેટનું પાણી પણ હલતુ નથી. જેને લઇને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા આંદોલન તેમજ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારમાં આવી છે.