દિવ્યાંગો માટે સરકાર દિલદાર, GSRTCની તમામ બસોમાં વિનામૂલ્યે મુસાફરી
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ દિવ્યાંગો માટે મહત્વની અને મોટી જાહેરાત કરી છે. રાજ્યના દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાઓ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
- દિવ્યાંગોને GSRTCની તમામ બસોમાં વિનામૂલ્યે મુસાફરી
- રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ
- નિર્ણયથી 3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ
- રાજય સરકાર અંદાજિત રૂ. 2.5 કરોડનું ભારણ વહન કરશે
- GSRTC દ્વારા રાજ્ય બહાર અંદાજિત 168 રૂટ પર બસ કાર્યરત
રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTCની બસોમાં પ્રવાસ કરવા માટે વિનામૂલ્યે મુસાફરી કરવાની યોજના અમલમાં છે. જે માટે કોઈ આવક મર્યાદા નથી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યની અંદર આવેલા છેલ્લાં બસ સ્ટેશન સુધી રાજ્ય બહાર મુસાફરી કરવાના કિસ્સામાં લાભ આપવામાં આવતો હતો. હવે તેમાં ફેરફાર કરીને દિવ્યાંગોને GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાઓ લાભ આપવામાં આવશે.
જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું કે, GSRTC દ્વારા રાજ્ય બહાર અંદાજિત ૧૬૮ બસ રૂટ ઉપર એસટી બસો પરિવહન કરે છે. ગત કેલેન્ડર વર્ષમાં આ યોજના હેઠળ ૬૦ લાખ દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટનો તથા ૯ લાખ તેમના સહાયકોને ટિકિટનો લાભ આપી રૂ.૨૮ કરોડથી વધુનો ખર્ચ રાજય સરકારે કર્યો હતો. નવીન નિર્ણયના પરિણામે ૩.૧૮ લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થશે. આ માટે અંદાજિત રૂ. ૨.૫ કરોડનું ભારણ દિવ્યાંગો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.