નવા વર્ષમાં ગરીબોને મળશે મફત અનાજની ભેટ, આજથી ફ્રી રાશનની યોજના લાગુ
કોરોના મહામારીની શરૂઆતમાં લાગુ કરવામાં આવેલી ફ્રી રાશન સ્કીમ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ યોજનાને આગામી એક વર્ષ માટે લંબાવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત અનાજ આપવામાં આવશે.
એક વર્ષ માટે લંબાવાઈ યોજના
સરકારે ડિસેમ્બર 2023 સુધી, BPL કાર્ડ ધારકોને આ યોજના હેઠળ મફત રાશન આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતને દેશના કરોડો જરૂરિયાતમંદ લોકો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ આપવાની આ યોજનાનો સમયગાળો પુરો થતા ગરીબી રેખા નીચે જીવતા લોકોને હજુ પણ એક વર્ષ સુધી આ યોજના હેઠળ મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ખાદ્ય મંત્રાલયે એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી તમામ એનએફએસએ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવનારા ખાદ્યાન્નનું ઝીરો મૂલ્યો નક્કી કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ દેશના 81 કરોડ લોકોને આજથી મફત અનાજ મળશે. આ યોજનાને કારણે કેન્દ્ર સરકારના બજેટને 2 લાખ કરોડ રુપિયાનો બોજ પડશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
ઉલ્લેખનીય છે કે કોવિડ કટોકટી દરમિયાન માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાગુ કરવામાં આવી હતી. દેશના 80 કરોડ લોકોને તેનો લાભ મળે છે. આ અંતર્ગત બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 4 કિલો ઘઉં અને 1 કિલો ચોખા મફત આપવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદની જાણીતી કલબમાં તોડફોડ અને મારામારીની ઘટના, જાણો શુ હતો સમગ્ર મામલો