ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડી, બે કર્મચારીઓએ 40 કરોડનું પહોંચાડ્યું નુકસાન
પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની કંપની સાથે છેતરપિંડી કરવામા આવી છે. તેમની મેટોડા ખાતે આવેલ કંપનીના બે કર્મચારીઓ દ્વારા વિશ્વાસઘાત કરી રાતોરાત પૈસાદાર બની જવા માટે પૂર્વયોજીત કાવત્રુ રચી કંપનીના ડ્રોઇંગ્સ અને ડિઝાઈન સહિતના દસ્તાવેજો અન્ય કારખાનેદારોને વેંચી કંપનીને 40 કરોડનું આર્થિક નુક્શાન પોહોંડ્યું હોવાની ફરિયાદ નોંધાવવામા આવી છે.
નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડીની ફરિયાદ
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ભાગોળે મેટોડા ખાતે આવેલ પટેલ બ્રાસ વર્કસના મેનેજર કૌશીક રમેશભાઈ સુરેલા (ઉ.વ.47)એ લોધીકા પોલીસ મથકમાં સ્વામીનારાયણ મંદિર પાછળ વિહાર વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતન મનહરલાલ પટેલ, સર્કિટ હાઉસ પાસે સંજય એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ અમલાણી, અમીન માર્ગ પર ભરતવન સોસાયટીમાં રહેતા અમીત લક્ષ્મીકાંત લક્કડ, શ્રી કોલોની મેઈન રોડ પર નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક મનસુખભાઈ કમાણી અને રાજસ્થાન સર્વમ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નમન અતુલકુમાર જૈન સામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
પૂર્વ યોજીત કાવતરું રચી કંપનીની ડિઝાઈન અને ડ્રોઇંગ્સની ઉઠાંતરી કરી
આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણેક વર્ષ પહેલા આરોપી ચિંતન મનહરલાલ પટેલ અને ભાવીન અમલાણી પટેલ બ્રાસ વર્કસમાં નોકરી કરતા હતા. તેઓએ પૂર્વ યોજીત કાવતરું રચી કંપનીની ડિઝાઈન અને ડ્રોઇંગ્સ જે તેમની કસ્ટડીમાં રહેતા હોય કંપનીને આર્થિક નુક્શાન પહોંચાડવાના ઈરાદે વર્ષો પહેલા પટેલ બ્રાસ વર્કસની ડિઝાઈનની ઉઠાંતરી કરી રાજસ્થાનમાં બેરીંગનું ઉત્પાદન કરતા સર્વમ ઈન્ડસ્ટ્રીઝ એલએલપીના ડાયરેક્ટર નમન અતુલ કુમાર જૈનને વેંચી દીધી હતી.
આ પણ વાંચો : અરવલ્લીની શાળામાં ‘કનઝંક્ટીવાઈટીસ’નો પગપેસારો, એક જ સ્કૂલના 39 બાળકોને લાગ્યો ચેપ
લોગો હટાવી પટેલ બ્રાસના ડુપ્લીકેટ બેરીંગનું વેચાણ કર્યું
પટેલ બ્રાસની ડિઝાઈન મેળવ્યા બાદ આરોપીએ ડિઝાઈનમાંથી કંપનીનો લોગો દૂર કરી પટેલ બ્રાસની ડિઝાઈનનો ઉપયોગ કરી બેરીંગનું વેચાણ શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં આ કૌભાંડમાં મેટોડામાં ફેક્ટરી ધરાવતા વિવેક મનસુખભાઈ કામાણી અને અમીત લક્ષ્મીકાંત લક્કડે ભાગ ભજવી પટેલ બ્રાસના ડુપ્લીકેટ બેરીંગનું વેચાણ શરૂ કરી દીધું હતું.
કંપનીએ ત્રણેક વર્ષ પહેલા બંન્ને કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરી દીધા હતા
આમ પટેલ બ્રાસની ડિઝાઈન વાળા બેરીંગ બજારમાં મળતા હોવાનું કંપનીના ધ્યાને આવતા ત્રણેક વર્ષ પહેલા બંન્ને કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરી દીધા હતા. પરંતુ બંન્ને કર્મચારીઓએ કંપનીની ડિઝાઈન અને ડ્રોઇંગ્સ પોતાની પાસે રાખી તેનો દુરઉપયોગ કરી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
પોલીસે શરુ કર્યો તપાસનો ધમધમાટ
આ સમગ્ર કૌભાંડની પટેલ બ્રાસના માલીક અને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલને જાણ થતા જ તેઓએ તપાસ કરાવ્યા બાદ અંતે પોતાની જ કંપનીના બે પૂર્વ કર્મચારી અને ત્રણ કારખાનેદાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એલ.સી.બી. પીઆઈ વી.વી. ઓડેદરાએ આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાવાગઢની તળેટીમાં નિર્માણ પામેલા ‘વન કવચ’ની જાણો વિશેષતાઓ