અડાલજ ત્રિ-મંદિરના કોમ્પ્યુટર ઓપરેટર સાથે છેતરપિંડી, ગઠીયાએ FD પર બારોબાર 3.24 લાખની લોન લઈ લીધી!
ગાંધીનગરઃ અડાલજ ત્રિ-મંદિરનાં કોમ્પ્યુટર ઓપરેટરે બેંકમાં મૂકેલી ફિક્સ ડિપોઝીટ ઉપર પણ ભેજાબાજ ગઠિયાએ છેતરપિંડી આચરી છે. તેણે ફિક્સ ડિપોઝિટ પર ઓવર ડ્રાફ્ટ લોન લોન લઈ બારોબાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી 3.24 લાખની ઠગાઈ કરી છે. આ અંગે અડાલજ પોલીસ મથકના ચોપડે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અડાલજ ત્રિ-મંદિર દાદા ભગવાન ફાઉન્ડેશનમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતા ચિરાગ સોલંકીનું એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. ગત. તા. 6/4/2021 ના રોજ ચિરાગે 3 લાખ 61 હજાર 877 રૂપિયા ફિક્સ ડિપોઝીટમાં એક વર્ષ માટે મૂક્યા હતા. જો કે પૈસાની જરૂરિયાત ઊભી થતાં ચિરાગ બેંકમાં એફડી તોડવા માટે ગયો હતો. એ વખતે બેંકના કર્મચારીએ કહેલું કે સાંજ સુધીમાં ખાતામાં પૈસા જમા થઈ જશે. આથી ચિરાગ ઘરે જતો રહ્યો હતો.
ત્યારે સાંજના બેંકમાંથી ફોન આવેલો કે, તેણે મુકેલી એફડી ઉપર ઓવર ડ્રાફ્ટ લોન લઈ 3.24 લાખના ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. આ સાંભળી ચિરાગ એકદમ ચોંકી ઉઠયો હતો. કેમ કે તેણે એફડી ઉપર કોઈ પ્રકારની લોન લીધી નથી. તેમજ નેટ બેન્કિંગ પણ યુઝ કરવામાં આવતું નથી. તો કોઈ જાતનો બેંક તરફ મેસેજ કે ઓટીપી પણ આવ્યો ન હતો.
તપાસ કરતા માલુમ પડે છે કે કોઈ ભેજાબાજ ગઠિયાએ બેંકમાં મુકેલી એફડી ઉપર ઓવર ડ્રાફ્ટ લોન લઈને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને 3.24 લાખનો ચૂનો લગાવી દેવામાં આવ્યો છે. આ મામલે બેંક તરફથી જવાબ મળ્યો હતો કે, ઓનલાઇન બધી પ્રોસેસ થઈ હોવાથી અમે કશું કરી શકીએ નહીં. ત્યારે ચિરાગ સોલંકીએ અડાલજ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.