ફ્રાન્સનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, જાણો ભારત-પાકિસ્તાન કયા સ્થાને છે?
- હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 85મા સ્થાને
- પાકિસ્તાને આ યાદીમાં પોતાનું સ્થાન 106 પર યથાવત રાખ્યું
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: તાજેતરમાં જાહેર થયેલા 2024ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ(Henley Passport Index) માં વિવિધ દેશોના પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ભારત ગયા વર્ષ કરતાં એક સ્થાન નીચે ગયું છે. આ યાદીમાં ભારતીય પાસપોર્ટ 85મા સ્થાને છે, જ્યારે ફ્રેન્ચ પાસપોર્ટને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને ફ્રાન્સ ટોચ પર છે. એક મોટી વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે ઉભરી રહેલા ભારત માટે આ એક નિરાશાજનક આંકડો છે. પહેલા ભારત શક્તિશાળી પાસપોર્ટના મામલામાં 80મા સ્થાને હતું, પરંતુ હવે તે 85મા સ્થાને આવી ગયું છે. જ્યારે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેનું રેન્કિંગ 106 પર યથાવત છે.
ભારતના પડોશી દેશોના પાસપોર્ટનું રેન્કિંગ
ભારતના પડોશી દેશોના પાસપોર્ટની વાત કરવામાં આવે તો, પાકિસ્તાન ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 106મા સ્થાને જ છે, જ્યારે બાંગ્લાદેશ 101માંથી 102મા ક્રમે આવી ગયું છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે, માલદીવને ભારત કરતાં ઘણું સારું સ્થાન આપવામાં આવ્યું છે અને તેણે 58મુ સ્થાન મેળવ્યું છે કારણ કે માલદીવના પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ માણે છે. પાડોશી દેશ પાકિસ્તાનનો પાસપોર્ટ દુનિયાનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ છે.
ભારતીયો વિઝા વિના 62 દેશોની લઈ શકે છે મુલાકાત
વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટની શક્તિને કેટલા દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે તેના આધારે માપવામાં આવે છે. આ રિપોર્ટ દર્શાવે છે કે, ભારતીય પાસપોર્ટ ધારકો 62 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ મેળવી શકે છે એટલે કે વિઝા વગર આવા દેશોમાં ફરવા જઈ શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકો જે દેશોમાં વિઝા-ફ્રી એક્સેસ કરી શકે છે તેમાં ભૂટાન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, બાર્બાડોસ, થાઇલેન્ડ, જોર્ડન, મલેશિયા, માલદીવ્સ, શ્રીલંકા, મોરેશિયસ અને ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે.
ફ્રાન્સ, ઈટાલી અને જર્મની ટોચ પર
સૌથી શક્તિશાળી પાસપોર્ટની વાત કરવામાં આવે તો ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર અને સ્પેન રેન્કિંગમાં ટોચ પર છે. આ દેશોના પાસપોર્ટ ધારકો વિઝા વિના 194 દેશોની મુલાકાત લઈ શકે છે. તેઓ પછી ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્વીડન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે જેમાં 193 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ છે. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, બ્રિટન અને લક્ઝમબર્ગના પાસપોર્ટ 192 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. તે જ સમયે, સૌથી નબળા પાસપોર્ટ ડોમિનિકા, હૈતી, માઇક્રોનેશિયા, કતાર, સેન્ટ વિનસેન્ટ, ત્રિનિદાદ, ટોબેગો અને વાનુઆતુની સાથે ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાનના પાસપોર્ટ છે.
આ પણ જુઓ: ગુજરાતના બંદરો પરથી 105 કરતા વધુ દેશોમાં 60 કોમોડીટીની નિકાસ: ગુજરાત સરકાર