ફ્રાન્સે ઓલિમ્પિક માટે 45 દેશો પાસેથી પોલીસ અને સૈન્યની મદદ માંગી, જાણો કેમ?
પેરિસ (ફ્રાન્સ), 30 માર્ચ: ફ્રાન્સે આગામી ઓલિમ્પિક રમતોના આયોજનમાં સુરક્ષા વ્યવસ્થા માટે 45 દેશોને સૈન્ય, પોલીસ અને સિવિલયન લોકોને મદદ માંગી છે તેમ ફ્રાન્સના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આગામી ઉનાળામાં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક રમતમાં દુનિયાભરમાંથી લાખો પર્યટકો ફ્રાન્સમાં આવશે. પ્રવાસીઓના ધસારો અને સલામતીને જોતા ફ્રાન્સ સરકારે ઓલિમ્પિક રમત દરમિયાન 45,000 ફ્રેન્ચ પોલીસ અને સુરક્ષા દળના જવાનો, 20 હજાર ખાનગી સુરક્ષા કર્મીઓ અને લગભગ 15,000 સૈન્ય કર્મીઓને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરશે.
જાન્યુઆરીમાં 2 હજાર સુરક્ષા કર્મીઓની માંગ કરાઈ
અધિકારીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં વિદેશી સુરક્ષા સહાય માટે વિનંતી કરવામાં આવી હતી, જેમાં લગભગ 2,185 સુરક્ષા કર્મચારીઓની માંગ કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓને ગેમ્સની સુરક્ષા, પ્રેક્ષકોમાં સલામતીની લાગણી પેદા થાય અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા મદદ માટે કહેવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે, વર્ષ 2022માં કતરમાં ફૂટબોલ વર્લ્ડ કપ માટે ફ્રાન્સે 200 જેટલા સુરક્ષાકર્મીઓ મોકલ્યા હતા.
અત્યાર સુધી 35 દેશોએ આપ્યો સકારાત્મક પ્રતિસાદ
યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં યુદ્ધ તેમજ આતંકવાદી હુમલાના ખતરાથી ફેન્ચ સરકારને ઓલિમ્પિકની રમતમાં સુરક્ષા વધારવાની ફરજ પડી છે. પોલેન્ડ સ્નિફર ડોગ હેન્ડલર્સ સહિત સૈનિકો મોકલીને આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં જોડાઈ રહ્યું છે. આ ઉપરાંત, જર્મની, બ્રિટન અને ઇટાલી સહિતના અન્ય યુરોપિયન દેશોએ પોતાના જવાનો મોકલીને ફાળો આપશે. ફ્રાન્સ સરકારના સૂત્રએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 35 દેશોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
આ પણ વાંચો: ફ્રાન્સનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી, જાણો ભારત-પાકિસ્તાન કયા સ્થાને છે?