મેક્સિકોમાં રનવેથી માત્ર 200 મીટર દૂર પ્લેન ક્રેશ, ચારનાં કરુણ મૃત્યુ
મેક્સિકો, 06 જાન્યુઆરી: મેક્સિકોમાં શુક્રવારે એક વિમાન દુર્ઘટનામાં ચાર લોકોનાં દુઃખદ મૃત્યુ થયાં હતા. મળતી માહિતી અનુસાર, પ્લેન ક્રેશની આ ઘટના ઉત્તરી મેક્સિકોના કોહુઇલા રાજ્યના શહેર રામોસ એરિઝપેમાં બની હતી. સ્થાનિક નાગરિક ઉડ્ડયન અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે સાલ્ટિલો એરપોર્ટ નજીક એક વિમાન ક્રેશ થતાં પાયલટ સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ઈંધણ ખતમ થઈ ગયું હતું, જે બાદ તે રનવેથી માત્ર 200 મીટર દૂર ક્રેશ થઈ ગયું હતું.
ક્રેશ પહેલાં પ્લેનમાં ઈંધણ ખતમ થઈ ગયું હતું
પાઇપર PA-46 પ્લેનમાં કુલ ચાર લોકો સવાર હતા અને અમેરિકા દ્વારા નિર્મિત આ વિમાનમાં ઉત્તરી મેક્સિકોના તામૌલિપાસના સરહદી શહેર માટામોરોસથી ઉડાન ભરી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના અંગે પ્લેનના પાયલટે લેન્ડિંગ માટે રામોસ એરિઝપે એરપોર્ટથી મદદની વિનંતી કરી હતી. ત્યારબાદ પ્લેન સાલ્ટિલો એરપોર્ટના રનવે નજીક લગભગ 200 મીટર ઊંચાઈએથી પડી ભાંગ્યું હતું. ક્રેશ પહેલા પાયલટે કહ્યું હતું કે, પ્લેનમાં ઈંધણ ખતમ થઈ ગયું છે.
જોરદાર પવન પણ અકસ્માતનું કારણ બની શકે છે
સ્થાનિક મીડિયા અનુસાર, પાયલટ એન્ટોનિયો અવિલા સિવાય મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ ત્રણેયની ઓળખ એડ્રિયાના ગાર્ઝા ઈબારા, રોઝારિયો ગાર્ઝા ઈબારા અને હિલ્ડા ગાર્ઝા ઈબારા છે. આ તમામ મહિલાઓ અમેરિકાથી આવી હતી. અહેવાલો અનુસાર, આ સિંગલ એન્જિન પ્લેન મેટામોરોસમાં રોકાતા પહેલા બ્રાઉન્સવિલે, ટેક્સાસથી ઉડાન ભરી હતી. જો કે, આ બંને શહેરો યુએસ-મેક્સિકો બોર્ડર પર સ્થિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની દુર્ઘટનાનું કારણ બળતણ સિવાય ભારે ફૂંકાતા પવનો પણ હોય શકે છે. આ એરક્રાફ્ટ મેક્સિકો સ્ટેટના ટોલુકા સ્થિત કંપનીના નામે રજીસ્ટર્ડ હતું.
આ પણ વાંચો: હાઇજેક જહાજ ઉપર પહોંચ્યા NAVYના માર્કોસ કમાન્ડો, 15 ભારતીય ક્રૂ ને બચાવ્યા