કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટનાના 4 આરોપીઓના ચાર દિવસના રીમાન્ડ મંજૂર, અન્યો જેલ હવાલે

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં 135 નિર્દોષોના મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા નવ લોકોની ધરપકડ કરી હતી. આ તમામ સામે આકરી કલમો સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે તેમની સામે વધુ પગલાં ભરતા તેઓના રીમાન્ડ મેળવવા આજે સાંજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ નવ આરોપીઓ પૈકી ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવે, બ્રિજના પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના રીમાન્ડની માંગણી કરી હતી. જેઓના 4 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને અન્યોને જેલ હવાલે કર્યા હતા.

કોર્ટમાં શું દલીલો કરવામાં આવી ?

આ અંગે મળતી માહિતી મુજબ, ઘટનાના આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ દલીલ કરતા જણાવ્યું હતું કે, ઓરેવા કંપનીએ પેટા કોન્ટ્રાક્ટર આપ્યો છે. બ્રિજમાં પ્લેટફોર્મ બદલવામાં આવ્યું છે પરંતુ દોરડા બદલાવવામાં આવ્યા નથી જેથી દુર્ધટના સર્જાય હોવાનો FSL રિપોર્ટ આવ્યો છે. વધુમાં વર્ષ 2007માં બ્રિજ સમારકામ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો જે બાદ 2022માં ફરી કોન્ટ્રાક્ટ અપાયો. ઉપરાંત મુલાકાતીઓને લાઇફ જેકેટ કે ટેક્નિકલ ટ્રેનિંગ આપવામાં આવી ન હોવાની પણ પોલીસે દલીલ કરી હતી.

આરોપીઓના પક્ષે શું દલીલ કરવામાં આવી ?

આ કેસમાં આરોપીઓના પક્ષે જે દલીલ કરવામાં આવી હતી તે અંગે જાણવા મળ્યા મુજબ પકડાયેલા તમામ લોકોના FIR માં કોઇ નામ નથી. પકડાયેલા લોકો માત્ર કર્મચારીઓ છે અને જોબવર્ક કરે છે. ઓરેવા કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેથી તેમના કહેવા પ્રમાણે કામ થયું છે. જેથી આ કેસ કે દુર્ઘટના સાથે તેઓને કોઈ સીધુ કનેક્શન નથી.

ઓરેવા કંપનીના મેનેજરનું કોર્ટમાં નિવેદન

આ કેસમાં કોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજરે પણ કંપની વતી નિવેદન રજૂ કર્યું હતું. મેનેજર દિપક પારેખે કોર્ટમાં જણાવ્યું હતું કે, 2007માં પ્રકાશને કામ સોપ્યુ હતું. જે સારૂ હતું જેથી MD જયસુખ પટેલે ફરી તેને કામ સોંપવામાં આવ્યું હતું. અગાઉ અમે જ બ્રિજનું સમારકામ કર્યું હતું. જે સારૂ જ થયું હતું.

પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરેલા રિમાન્ડના મુદ્દા

આ ઘટનામાં રીમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2007 માં ઓરેવા કંપનીએ વિશ્વકર્મા ફેબ્રિકેશનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે સમયે પ્રકાશ પાસે એન્જિનિયરીંગની કોઇ લાયકાત ન હતી છતા કોન્ટ્રાક્ટ કઇ રીતે આપ્યો ? ઉપરાંત 2022 માં દેવપ્રકાશ ફેબ્રિકેશન કે જેનું સંચાલન પ્રકાશ પરમારના પુત્ર દેવાંગ કરતા હતા જે માત્ર ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લાયકાત વગરની વ્યક્તિઓને બ્રિજનું કામ કઇ રીતે સોંપાયું તેના પર તપાસ કરવામાં આવશે. બ્રિજ 2007 માં તૈયાર કરાયો હતો ત્યારે એલ્યુમિનિયમની ત્રણ લેયર કરવામાં આવી હતી જે બાદ 2022 માં ફરી એલ્યુમિનિયયમની ચાર લહેરનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું આ સમયે જેના પર બ્રિજ ઉભો છે તેની ચકાસણી કેમ ન કરવામાં આવી ? ઓરેવા કંપની વતી દિપક પારેખ ફેબ્રિકેશન કંપની સાથે વાર્તાલાપ કરતો હતો અને મટીરીયલ્સની ખરીદી કરતા હતા. ત્યારે કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ અપાયો તે તપાસનો વિષય છે. જે મટીરીયલ્સની ખરીદી કરાઇ હતી તેની ચકાસણી કરવામાં આવી હતી તે કેમ ? કોઇપણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ખુલ્લો મુકતા પહેલા ગેરી (ગેરી બ્રિજના ફિટનેસ આપતી સંસ્થા છે, જે વડોદરામાં છે)ની મંજૂરી લેવી પડે જે લેવામાં કેમ નથી આવી ? તેના પર તપાસ કરવામાં આવશે.

Back to top button