ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોંગ્રેસના ચાર નેતા સસ્પેન્ડ
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ પક્ષ દ્વારા મનોમંથન કરવામાં આવ્યું હતું અને કોણે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હતી ? તે દિશામાં સર્વે કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે પગલાં લેવાનું શરૂ કરતાં આજે ચાર નેતાઓને પક્ષે ઘરભેગા કરી દીધા છે.
કોને-કોને સસ્પેન્ડ કરાયા ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે કોંગ્રેસના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અગાઉ ચાર મોટામાથાઓ સામે પગલાં લીધા
દરમિયાન આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.