ગાંધીનગર ખાતે વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’નો શિલાન્યાસ સમારોહ સંપન્ન
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
- મહાનુભાવોના હસ્તે ચૌધરી સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું
ગાંધીનગર, 5 જાન્યુઆરી : અમદાવાદ-મહેસાણા હાઇવે પર, કલોલ નજીક, જમિયતપુરા ગામ પાસે ₹300 કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણાધામના શિલાન્યાસ કરાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આંજણાધામનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે મહાનુભાવોએ દાનવીર-દાતાઓનું સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી ૧૦૦૮ મહંત દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શીલા-ઈંટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન- મંત્રોચ્ચાર કરીને આંજણા ધામ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. વિશ્વ આંજણા ફાઉન્ડેશન અને આંજણાધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા આંજણાધામના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આંજણાધામ માત્ર વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપવાનું કે સમાજના યુવાનોને આઈ.એ.એસ.-આઈ.પી.એસ.બનાવવાનું કેન્દ્ર માત્ર ન બને, આંજણાધામ એવા સંસ્કારવાન માનવ નિર્માણ માટેનું મિશન બને જે સમાજનું, માતા-પિતાનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે. આંજણા-ચૌધરી સમાજ રાષ્ટ્રભક્ત સમાજ છે.
આંજણા યુવાનો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાનમાં સહયોગ આપે. એ જ દેશ અને સમાજ ઉન્નતિ કરે છે જ્યાં મહિલાઓનું પણ પુરુષો જેટલું જ યોગદાન હોય છે, એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આંજણા સમાજ બહેન-દીકરીઓના શિક્ષણ અને વિકાસ માટે વિશેષ ધ્યાન આપે. જે પોતાના સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપશે, વ્યસનોથી મુક્ત રાખશે એ જ સમાજ પ્રગતિ કરશે.
આંજણાધામ માટે દાન આપનાર સમાજના દાનવીર આગેવાનોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પણ રૂપિયા પાંચ લાખના દાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, પરિશ્રમ અને મહેનતનો પૈસો પવિત્ર હોય છે. દાતાઓએ પોતાના પવિત્ર ધનનો સદુપયોગ કર્યો છે. તેમણે ‘કર્મ-ફળ વ્યવસ્થા’નું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, દાન એ આગામી જન્મ માટે અત્યારે જ કરેલી આર.ટી.જી.એસ. વ્યવસ્થા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સમાજશક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને આંજણા ચૌધરી સમાજ એક ભવ્ય આંજણાધામનું નિર્માણ કરી રહ્યો છે.સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને મળેલી તક એ મારું સૌભાગ્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ શિલાન્યાસ કે ભૂમિ પૂજન કોઈ સંકુલના નિર્માણની આધાર શીલા માત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે. વડાપ્રધાન મોદીએ સૌને સાથે રાખીને ચાલવાનો, સૌના સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે.આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશને આ મંત્રને કાર્યમંત્ર બનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે.સમાજના યુવાઓને ઉચ્ચ શિક્ષણ, કારકીર્દી ઘડતર અને રમત-ગમત સહિતના સર્વાંગી ક્ષેત્રોમાં ખિલવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે.
આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્ર પણ બનવાના છે તે યુવાશક્તિને સદાચાર-સદમાર્ગે લઈ જવાનું દિશાદર્શન કરશે,એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે સંકુલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનારા દાતાશ્રીઓ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણાધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
આંજણા ચૌધરી સમાજની વિશેષતા અંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજશક્તિનો પરિચય સમાજે દેશવિદેશમાં પણ આપ્યો છે.ગ્રામ-સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરૂષાર્થી સમાજ છે. આવી સમાજશક્તિને સરકારનું પ્રોત્સાહન અને સૌનો સહકાર મળે તો વિકાસ બમણો થાય છે.
સમાજ અને સરકાર સાથે મળીને કામ કેરે તો કેવી ઉન્નતિ થાય તેનું જીવંત ઉદાહરણ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પૂરું પાડ્યું છે. સ્વાસ્થ્ય, વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આંજણા સમાજે સફળતા મેળવી છે.
સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઇ.એ.એસ, આઇ.પી.એસ, જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ આ સમાજ પૂરી પાડે છે. આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ અને ઘીથી મહેંકતી ધરતી બની છે. પશુપાલકો-કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી – બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે અને આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનો પરિપાક છે.
તેમણે યુવાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાશક્તિના સામર્થ્યથી રાષ્ટ્રનિર્માણનો ધ્યેય રાખ્યો છે.આંજણા ચૌધરી સમાજના યુવાનો પણ વડાપ્રધાનના આહવાનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રસેવાનાં કાર્યોમાં વધુને વધુ સક્રિય બને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે.આંજણાધામ યુવાનોને સુસજ્જ બનાવવા સાથે તેમનામાં દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્વનું કેન્દ્ર બનશે,એમ તેમણે ઉમેર્યું હતું.