પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પશ્ચિમ બંગાળ- 8 ઓગસ્ટ : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું લાંબી માંદગી બાદ આજે સવારે 8.20 કલાકે નિધન થયું છે. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના રાજ્ય એકમના સચિવ મોહમ્મદ સલીમે આ માહિતી આપી હતી.પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના 34 વર્ષના શાસન દરમિયાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સીપીએમના બીજા અને છેલ્લા મુખ્ય પ્રધાન હતા. તેઓ 2000 થી 2011 સુધી સતત 11 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે રહ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની મીરા અને પુત્રી સુચેતના છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ઘણા સમયથી બીમાર હતા
બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ આજે સવારે 8.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને જુલાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) અને વૃદ્ધાવસ્થા સંબંધિત અન્ય રોગોથી પીડિત હતા.
કોલકાતામાં તેમના ઘરે તેમની સારવાર ચાલી રહી હતી. ખરાબ તબિયતના કારણે તેઓ લાંબા સમયથી જાહેર જીવનથી દૂર હતા. 2015માં, તેમણે પોલિટબ્યુરો અને CPI(M)ની સેન્ટ્રલ કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું. તેમણે 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ પણ છોડી દીધું હતું.
ભાજપના નેતા શુભેન્દુએ શોક વ્યક્ત કર્યો
બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપના નેતા સુભેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મને એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી; શ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.
બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નિધન પર શોક વ્યક્ત કરતા મમતા બેનર્જીએ લખ્યું, ‘પૂર્વ મુખ્યમંત્રી શ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આકસ્મિક નિધનથી હું સ્તબ્ધ અને દુઃખી છું. હું તેમને ઘણા દાયકાઓથી ઓળખું છું અને જ્યારે તેઓ બીમાર હતા ત્યારે ઘણી વખત તેમને મળવા ગઈ હતી. આ દુખની ઘડીમાં હું મીરા દી અને સુચેતનાની સાથે છું. હું CPI(M) પાર્ટીના સભ્યો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. અમે નિર્ણય કર્યો છે કે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન તેમને પૂરું સન્માન આપવામાં આવશે.
આ પણ વાંચો : મેડલ જીતવાથી ચૂકી મીરાબાઈ ચાનુ, રણદીપે કહ્યું- ‘તમે ચેમ્પિયન છો, ઘણા મેડલ જીતશો’