અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં ઈલાબેન ભટ્ટને આપી શ્રદ્ધાંજલિ
અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જે અંતર્ગત આજે તેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અહી મેયર કિરીટ પરમારે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યાર પછી અમદાવાદમાં SEWA સ્મારકની તેમણે મુલાકાત લીધી હતી.
હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વિશેષરુપે ‘સેવા’ સંસ્થાના 50મા વર્ષની સમાપ્તિ નિમિત્તે હિલેરી ક્લિન્ટન તેની મુલાકાતે આવ્યાં છે. હિલેરી ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલાબેન ભટ્ટ દ્વારા સ્થાપિત ‘સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન'(SEWA)ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડનમાં વાવેલા વડના ઝાડ નજીક એક તકતીનું અનાવરણ કર્યુ હતુ.
અમદાવાદમાં ઈલાબેન ભટ્ટને આપી શ્રદ્ધાંજલિ
ઉલ્લેખનીય છે કે, ગાંધીવાદી ઇલા બેન ભટ્ટનું ગત વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. SEWA ઇવેન્ટ કોઓર્ડિનેટર રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં ઇલા બેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે. જેથી આજ રોજ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અમદાવાદ શહેરમાં SEWAના સ્થાપક ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી અને SEWA સભ્યો સાથે વાતચીત કરી હતી.
આવતી કાલે સુરેન્દ્રનગરની મુલાકાત લેશે
હિલેરી ક્લિન્ટન તેમના બે દિવસીય પ્રવાસ અંતર્ગત આવતા કાલે સુરેન્દ્રનગરની મુલાકાતે જશે. અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે હિલેરી ક્લિન્ટલ ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને અહી મીઠું પકવતા અગરિયાઓ સાથે વાતચીત કરશે.
ઈલાબેન ભટ્ટ સાથે આ રીતે પરિચયમાં આવ્યા
SEWA સંસ્થા મહિલા શ્રમિકોનાં અધિકારો માટે મહિલા શ્રમિકો દ્વારા શરૂ કરાયેલી મહિલા ટ્રેડ યુનિયન સંસ્થા છે. જેની સ્થાપના ઈલા ભટ્ટે 1972માં કરી હતી. અને હિલેરી ક્લિન્ટન અને ઈલાબેન ભટ્ટ 1995ની સાલથી એકબીજાંનાં પરિચયમાં હતાં. હિલેરી ક્લિન્ટન વર્ષ 2018માં તેમની એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં મહિલાઓનાં અધિકારો માટે ઈલા ભટ્ટનાં કાર્યને ‘ક્રાંતિકારી પ્રયોગ’ તરીકે ઓળખાવ્યું હતું.
આ પણ વાંચો : કિયારા-સિદ્ધાર્થના લગ્ન : જાણો બંન્નેમાથી કોણ છે વધુ અમીર