- શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશને 2002માં ટૂંકા ગાળા માટે અંડર-19 ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ગાલે ક્રિકેટ ક્લબ માટે 12 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. કેટલાક બદમાશોએ તેમની ગોળી મારીને હત્યા કરી છે
શ્રીલંકા, 17 જુલાઈ: શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનની મંગળવારે રાત્રે અંબાલાંગોડામાં તેમના ઘરની બહાર એક વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. નિરોશને 2002માં શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી હતી, પરંતુ તેમની ટૂંકી વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન ક્યારેય સિનિયર ટીમ માટે રમ્યા નહોતા. 41 વર્ષીય નિરોશનની કથિત રીતે તેના ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી. હવે શ્રીલંકાની પોલીસ હુમલાખોરને ઓળખવા માટે કેસની તપાસ કરી રહી છે.
શ્રીલંકા પોલીસે શું કહ્યું?
શ્રીલંકા પોલીસના પ્રવક્તાએ આ હત્યા અંગે જણાવતા કહ્યું કે, ‘ફાયરિંગમાં સામેલ શંકાસ્પદની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે.’ તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના ગેંગ વચ્ચેની લડાઈનું પરિણામ હોવાનું જણાય છે. નિરોશને 2000માં શ્રીલંકા અંડર-19માં ડેબ્યુ કર્યું હતું અને સ્થાનિક ટુર્નામેન્ટમાં ગાલે સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમ્યો હતો. નિરોશન એક ઝડપી બોલર હતો જે ક્યારેક-ક્યારેક બેટીગ પણ બહુ સારી કરી લેતો હતો. તેણે 2002માં થોડા સમય માટે શ્રીલંકાની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમનું સુકાન સંભાળ્યું હતું, પરંતુ તે વરિષ્ઠ ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો.
કેવી હતી નિરોશનની કારકિર્દી?
શ્રીલંકાના ઘણા મહાન ક્રિકેટરો જેમ કે એન્જેલો મેથ્યુઝ, ઉપુલ થરંગા અને ફરવીઝ મહરૂફ અંડર-19 ક્રિકેટ ટીમમાં નિરોશનની આગેવાનીમાં રમ્યા હતા. તેમણે 12 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી જેમાં તેમણે 26.89ની પ્રભાવશાળી બોલિંગ એવરેજથી 19 વિકેટ લીધી હતી. નિરોશને આઠ લિસ્ટ A રમતોમાં પાંચ વિકેટ પણ લીધી, જેમાં 18 રનમાં બે વિકેટ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. બેટિંગ કરતાં તેમણે 19 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 14.94ની એવરેજથી 269 રન બનાવ્યા અને ત્રણ લિસ્ટ A ઇનિંગ્સમાં 48 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાએ T20 અને ODI સિરીઝ માટે ટીમની કરી જાહેરાત, આ મોટા ખેલાડીઓની પડી વિકેટ