- પારીત બિલ મુજબ કોઈપણ વ્યક્તિને આજીવન સદસ્ય બનવા માટે અયોગ્ય ઠેરવી નહીં શકાય
- વિપક્ષે સરકાર ઉપર લગાવ્યા ગંભીર આરોપો
- બિલ પાસનો ઈરાદો શરીફની દેશમાં વાપસી અને આગામી ચૂંટણીમાં તેમની ભાગીદારીનો માર્ગ મોકળો કરવાની પહેલ
પાકિસ્તાની સંસદે એક બિલ પસાર કર્યું છે, જેના હેઠળ કોઈ પણ વ્યક્તિને આજીવન સદસ્ય બનવા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે નહીં. વિપક્ષનો આરોપ છે કે આ બિલ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દેશમાં વાપસી અને આગામી ચૂંટણીમાં તેમની ભાગીદારીનો માર્ગ મોકળો કરવાની પહેલ છે. પૂર્વ PM નવાઝને 2017માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ગેરલાયક ઠેરવ્યા હતા. સર્વોચ્ચ અદાલતના 2018ના ચુકાદા બાદ તેમને આજીવન સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. નવાઝ નવેમ્બર 2019 થી સારવાર માટે લંડનમાં રહે છે. એક દિવસ પહેલા વડાપ્રધાન શહેબાઝ શરીફે તેમના મોટા ભાઈ નવાઝ શરીફને સ્વદેશ પરત આવવા અને રેકોર્ડ ચોથી વખત દેશના વડાપ્રધાન બનવાની અપીલ કરી હતી.
મહત્તમ પાંચ વર્ષની ગેરલાયકાતની જોગવાઈ
અખબાર ડૉન અનુસાર, બિલમાં ચૂંટણી અધિનિયમ 2017ની કલમ-232 (લાયકાત અને અયોગ્યતા)માં સુધારો કરવાનો પ્રસ્તાવ સામેલ છે. આ મુજબ, સંસદના સભ્ય બનવાની લાયકાત કલમ 62, 63 અનુસાર નક્કી કરવામાં આવશે. કોર્ટના નિર્ણય દ્વારા ગેરલાયક ઠરેલી વ્યક્તિ નિર્ણયના દિવસથી મહત્તમ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠરશે.
નવાઝ શરીફની પાર્ટી-સરકારમાં મહત્વની ભૂમિકા છે
શાહબાઝ શરીફે 2018માં પાર્ટીની બાગડોર સંભાળી હતી. કારણ કે તેમના ભાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને વડા પ્રધાન માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા, બાદમાં તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખ તરીકે પક્ષનું નેતૃત્વ કરતા અટકાવવામાં આવ્યા હતા. નવાઝ 2019થી લંડનમાં રહે છે. તે ત્યાં સારવાર માટે ગયો હતો, ત્યારથી તે ત્યાં જ સ્થાયી છે. જો કે પાર્ટીના સૂત્રોનું માનીએ તો આજે પણ નવાઝ શરીફની સંમતિથી જ નિર્ણયો લેવામાં આવે છે. આજે પણ નવાઝ સરકારમાં ટોચની નિમણૂકો કરે છે. આ કારણથી ગત વર્ષે સત્તામાં આવ્યા બાદ ઈસ્માઈલના સ્થાને ઈશાકને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા.