ટોપ ન્યૂઝવર્લ્ડ

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પાકિસ્તાન પરત આવશે !! આવનારા દિવસોમાં બનશે દેશના નવા PM ?

Text To Speech
  • પાકિસ્તાની સેનેટમાં પસાર કરવામાં આવ્યું એક બિલ
  • બિલ મુજબ કોઈપણ વ્યક્તિ ગૃહના સભ્ય બનવા આજીવન અયોગ્ય ઠેરવી નહિ શકાય
  • હાલ લંડનમાં છે પૂર્વ પીએમ નવાઝ શરીફ
  • અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં સજા મળ્યા બાદ ચાલ્યા ગયા હતા લંડન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઘણા સમયથી ઈંગ્લેન્ડમાં રહે છે પરંતુ હવે તેમની વતન પરત ફરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, પાકિસ્તાનની સેનેટમાં એક બિલ પસાર કરવામાં આવ્યું છે, જેના હેઠળ કોઈ પણ વ્યક્તિને ગૃહના સભ્ય બનવા માટે આજીવન અયોગ્ય ઠેરવી શકાશે નહીં. વિપક્ષનો આરોપ છે કે આ બિલ બીજું કંઈ નથી પરંતુ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દેશમાં પરત લાવવાની કવાયત છે.

નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફને વર્ષ 2017માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે અયોગ્ય ઠેરવ્યા હતા. આ આદેશ અનુસાર નવાઝ શરીફને આજીવન સંસદસભ્ય બનવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ પછી નવેમ્બર 2019માં નવાઝ શરીફ સારવાર માટે લંડન ગયા હતા અને ત્યારથી ત્યાં જ રહે છે. લંડન જતા પહેલા નવાઝ શરીફ અલ-જઝીઝિયા ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યા હતા.

પાકિસ્તાનના આગામી પીએમ બની શકે છે

પાકિસ્તાની મીડિયા અનુસાર, આ બિલ શુક્રવારે પસાર કરવામાં આવ્યું હતું અને આ બિલમાં સાંસદોની અયોગ્યતા પાંચ વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે તાજેતરમાં જ તેમના મોટા ભાઈ નવાઝ શરીફને સ્વદેશ પાછા ફરવા, આગામી સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કરવા અને દેશના વડા પ્રધાન બનવાની અપીલ કરી હતી.

શું છે સેનેટમાં રજૂ કરાયેલું બિલ ?

પાકિસ્તાનની સેનેટમાં રજૂ કરાયેલા બિલ માટે સરકારે ચૂંટણી અધિનિયમ 2017ની કલમ-232માં સુધારો કરવાનો પ્રસ્તાવ સામેલ કર્યો છે. સુધારા મુજબ, જો અયોગ્યતા માટે બંધારણમાં કોઈ ચોક્કસ જોગવાઈ નથી, તો સંસદના સભ્ય બનવાની વ્યક્તિની પાત્રતા બંધારણની કલમ 62 અને 63 હેઠળ નિર્ધારિત માપદંડો અનુસાર નક્કી કરવામાં આવશે. સુધારાઓ મુજબ, કલમ 62(1)(f) હેઠળની ગેરલાયકાત પાંચ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Back to top button