PAK ના પૂર્વ PM ઈમરાન ખાને કરી મોદી સરકારની પ્રશંસા, પાકિસ્તાન સરકારને લઈને આપ્યું મોટું નિવેદન
- ફરી એકવાર ઈમરાન ખાને મોદી સરકારના કર્યા વખાણ
- ફરી એકવાર ભારતીય વિદેશ નીતિના વખાણ કર્યા
- પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટી સરકારને જવાબદાર ઠેરવી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતીય વિદેશ નીતિના વખાણ કર્યા છે. ઈમરાને કહ્યું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ લઈ રહ્યું છે. આ તેમની વિદેશ નીતિની અજાયબી છે… તેમની જેમ અમે પણ ઇચ્છતા હતા કે પાકિસ્તાન સસ્તું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદે. પરંતુ આવું ન થઈ શક્યું કારણ કે અમારી સરકાર પડી ગઈ હતી. ઇમરાને તેમના દેશમાં પ્રવર્તી રહેલી ગંભીર આર્થિક કટોકટી માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે તે નારાજ છે કે તેમનો દેશ સબસિડીવાળા દરે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી શકતો નથી. ઈસ્લામાબાદથી એક વીડિયો સંદેશમાં ઈમરાન ખાને કહ્યું, “અમે ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ મેળવવા માંગતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં કારણ કે કમનસીબે મારી સરકારને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા નીચે લાવવામાં આવી હતી.
પાકિસ્તાનની ગરીબીથી પરેશાન ઈમરાન
જણાવી દઈએ કે ઈમરાન ખાને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. તે સમયે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું, તે દિવસોમાં ઈમરાન રશિયા ગયા હતા ત્યારે પશ્ચિમી દેશોના મીડિયાએ પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. વૈશ્વિક નિષ્ણાતોનું કહેવું છે કે જો ઈમરાન તે સમયે રશિયા ન ગયા હોત તો તેમના માટે સારું થાત, કારણ કે તેમની મુલાકાતથી અમેરિકા નારાજ થઈ ગયું હતું, બાદમાં પાકિસ્તાન પર દબાણ એટલું વધી ગયું કે પાકિસ્તાની સેના પ્રમુખ ખુદ ઈમરાનની વિરુદ્ધ થઈ ગયા. ઈમરાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા, વડાપ્રધાનની ખુરશી છીનવી લીધા બાદ ઈમરાને તેના માટે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાને જવાબદાર ઠેરવ્યા, અને કહ્યું કે મારી સાથે જે થયું તે બાજવાનું કાવતરું હતું.
ખાન વારંવાર ભારતના વખાણ કરી રહ્યા છે
ઈમરાન હવે ફરી પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે. પોતાના ભાષણોમાં તેઓ ભારત અને મોદી સરકારનો ઉલ્લેખ કરતા રહે છે. આ પહેલા ભારતની અર્થવ્યવસ્થાની ગતિને સ્વીકારતા ઈમરાન ખાને કહ્યું હતું કે, ‘નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતાની પાસે અબજોની સંપત્તિ નથી. મને એવા દેશ વિશે કહો કે જેના વડા પ્રધાન અથવા નેતાની દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે ? તેમણે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાના પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણયની પણ પ્રશંસા કરતા કહ્યું, ‘ક્વાડનો ભાગ હોવા છતાં, ભારતે યુએસ દબાણનો સામનો કર્યો અને તેના લોકોની સુવિધા માટે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું. અમારી સરકાર પણ આવી સ્વતંત્ર વિદેશ નીતિ દ્વારા તેલ મેળવવાનો પ્રયાસ કરતી હતી.
આ પણ વાંચો : ગેહલોત સામેની લડાઈમાં સચિન પાયલોટને મળ્યો કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનો ટેકો