પંચમહાલના બાહુબલી નેતા પ્રભાતસિંહ ચૌહાણનું અવસાન, આવતીકાલે 10 વાગ્યે અંતિમયાત્રા નીકળશે
પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષે નિધન થયું છે. પૂર્વ સાંસદ અને ધારસભ્ય પ્રભાતસિંહ ચૌહાણ આજે વહેલી સવારે પોતાને નિત્યક્રમ પ્રમાણે પોતાના ખેતરમાં મોરને દાણા નાખીને આવી રહ્યા હતા અને અચાનક નીચે ઢળી પડ્યા હતા.ત્યાં તેમનું નિધન થયું હતું. પ્રભાતસિંહની અંતિમયાત્રા આવતીકાલે 10 વાગ્યે નીકળશે.
પ્રભાતસિંહ ચૌહાણ ટુંકી માંદગીથી પીડિત હતા અને તેમણે 83 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે.પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ, ખેડા અને મહિસાગર જિલ્લામાં સારૂ વર્ચસ્વ ધરાવતા મોટા કદના નેતા હતા.
પ્રભાત સિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941ના રોજ પંચમહાલ જીલ્લામાં થયો હતો. તેમણએ તેમનું શાળાકીય શિક્ષણ શ્રી કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુર ખાતેથી પૂર્ણ કર્યું હતું, તેઓએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત નિરક્ષરતા,વસ્તી, કુપોષણ, મદ્યપાન, વગેરે જેવા ગ્રામીણ સમુદાયોમાં પ્રસરેલા વિવિધ દુષણનો ગહન અભ્યાસ કર્યો હતો. તેઓ રાજકારણમાં જોડાયા પહેલાં એક કૃષિવિદ, શિક્ષણવિદ ઉપરાંત એક સામાજિક કાર્યકર હતા.
પ્રભાત સિંહ ચૌહાણની રાજકીય સફર
પ્રભાતસિંહ ચૌહાણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ગ્રામ પંચાયતની ચૂંટણી લડીને શરૂ કરી હતી. તેમણે તેમના જન્મ સ્થળ દાહોદ જિલ્લાના મહેલોલ ગામમાં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી અને પોતાની આગવી રાજકીય શક્તિથી બાદમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી લડી રાજકીય કારકિર્દીમાં એક પછી એક ડગલું આગળ વધતા રહ્યા.
1975 થી 1980 – સરપંચ – મેહલોલ ગામ, દાહોદ જિલ્લો
1975થી 1980 – તાલુકા પંચાયત સભ્ય, ગોધરા
1980 થી 1990 – જિલ્લા પંચાયત એજ્યુકેશન કમિટી સભ્ય, ગોધરા
1982થી 1990 – ધારાસભ્ય (બે ટર્મ)
1995થી 2002 – ધારાસભ્ય (બે ટર્મ)
1998થી 2002 – મંત્રી, વન અને પર્યાવરણ મંત્રાલય
2004 થી 2007 – રાજ્ય મંત્રી – આદિવાસી વિકાસ મંત્રાલય
2009 – લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા
પ્રભાત સિંહ વિધાનસભાની ચૂંટણી વર્ષ 1980 અને 1985માં કાલોલ બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા અને જીત્યા હતા. ત્યાર બાદ 1990માં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતાં નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાંથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપે 2007માં પણ ટિકિટ આપી હતી. જેમા તેઓ કોંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ ઉપરાંત તેઓ પંચમહાલના સાંસદ પદે પણ 2 ટર્મ સુધી રહ્યાં હતાં. ગત વર્ષ સુધી તેઓ રાજકીય જગતમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા.