ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેમની તબિયત લથડતાં તેમને ત્રણ દિવસ સુધી દુબઈમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મુશર્રફને હૃદય અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. ઘરે પહોંચ્યા બાદ બી ડોકટરોની વિશેષ ટીમ 24 કલાક મુશર્રફના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પરવેઝ મુશર્રફે જ 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખીને કારગીલ યુદ્ધની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, તેમણે સેના પ્રમુખ તરીકે તખ્તાપલટ બાદ પાકિસ્તાનમાં માર્શલ લૉ પણ જાહેર કર્યો હતો.
પરવેઝ મુશર્રફની પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (APML) એ મૃત્યુના અહેવાલોને ફગાવી દીધા છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, પૂર્વ સૈન્ય શાસકને ત્રણ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમના નિવાસસ્થાને પરત લઈ જવામાં આવ્યા છે. પાર્ટીએ મુશર્રફની હાલત ગંભીર હોવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. પાર્ટીએ કહ્યું કે, મુશર્રફ તેમના ઘરે એમાયલોઇડિસની સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
કોણ છે પરવેઝ મુશર્રફ?
કારગિલ યુદ્ધ દરમિયાન જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેમણે કારગીલને લઈને તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ શ્રીલંકામાં હતા, ત્યારે મુશર્રફે 1999માં લશ્કરી બળવો કર્યો હતો. બાદમાં તેણે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
પરવેઝ મુશર્રફે લશ્કરી બળવો ક્યારે કર્યો?
12 ઓક્ટોબર, 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. આ રક્તવિહીન ક્રાંતિમાં શ્રીલંકાથી આવતા મુશર્રફના વિમાનને હાઈજેક કરવાનો અને આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ નવાઝની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને પરિવારના 40 સભ્યો સાથે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યો હતો. નવાઝ શરીફે 1997ની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન પદ સંભાળ્યું. નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા.
મુશર્રફે નવાઝ શરીફને સત્તા પરથી હટાવી કમાન સંભાળી
જનરલ પરવેઝ મુશર્રફ શ્રીલંકામાં હતા, જ્યારે નવાઝ શરીફે શંકાના આધારે આર્મી ચીફના પદ પરથી હટાવ્યા હતા. શરીફે મુશર્રફના સ્થાને જનરલ અઝીઝને આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા. નવાઝે અહીં ભૂલ કરી અને એ સમજી શક્યા નહીં કે જનરલ અઝીઝ પણ પરવેઝ મુશર્રફના વફાદાર હતા. છેવટે, શરીફને જે લશ્કરી બળવો થવાની આશંકા હતી તે થયો.
નવાઝ સહિત તેના મંત્રીઓની ધરપકડ કરી જેલમાં ધકેલ્યાં
જનરલ પરવેઝ મુશર્રફે શ્રીલંકાથી પાછા ફરતાની સાથે જ નવાઝ શરીફની સરકારને ઉથલાવી દીધી હતી. આટલું જ નહીં, નવાઝ શરીફ અને તેમના મંત્રીઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા અને પોતાને લશ્કરી શાસક જાહેર કર્યા હતા. આ પછી મુશર્રફે પોતાને રાષ્ટ્રપતિ પણ જાહેર કર્યા હતા. 2000માં અમેરિકા અને સાઉદી અરેબિયાના હસ્તક્ષેપ બાદ નવાઝને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.