પૂર્વ સાંસદ આનંદ મોહન 16 વર્ષ બાદ જેલમાંથી મુક્ત, જાણો શું હતો મામલો
- પૂર્વ સાંસદ આનંદ મોહન જેલમાંથી બહાર આવ્યા
- ડીએમ જી. કૃષ્ણૈયા હત્યા કેસમાં આજીવન કેદની મળી હતી સજા
- બિહાર સરકારે જેલના નિયમોમાં ફેરફાર કરી આપી મુક્તિ
બિહારમાં ગોપાલગંજના ડીએમ જી. કૃષ્ણૈયા હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા પૂર્વ સાંસદ આનંદ મોહન આજે સવારે માંડલ જેલ સહરસામાંથી બહાર આવ્યા હતા. સરકાર દ્વારા તેમને કાયમી ધોરણે મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ 16 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયા છે.
આનંદ મોહન સાથે અન્ય 27 કેદીઓને મુક્ત કરવા આદેશ
આનંદ મોહન ગોપાલગંજના ડીએમ જી. ક્રિષ્નૈયાની હત્યા માટે જેલમાં બંધ હતો. તેને છોડાવવા માટે બિહાર સરકારે જેલના નિયમોમાં ફેરફાર કર્યો, ત્યારબાદ જ તેની મુક્તિનો માર્ગ મોકળો થયો. આનંદ મોહન સાથે અન્ય 27 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ નીતીશ સરકાર વિરોધીઓના નિશાના પર છે.
બિહાર સરકારના નિર્ણયનો વિરોધ
કોંગ્રેસે બિહાર સરકારના આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. સાથે જ ભાજપ સીધું કંઈ પણ કહેવાનું ટાળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગિરિરાજ સિંહથી લઈને અન્ય નેતાઓએ આનંદ મોહનની મુક્તિને યોગ્ય ઠેરવી હતી પરંતુ અન્ય કેદીઓને મુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
પરિવારે ઉઠાવ્યો વાંધો
દિવંગત IAS ઓફિસર જી કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનની મુક્તિ સામે વાંધો ઉઠાવ્યો છે. હવે મળતી માહિતી મુજબ આનંદ મોહનના પુત્ર અને આરજેડી ધારાસભ્ય ચેતન આનંદે સ્વર્ગસ્થ IAS અધિકારી જી કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયા અને પરિવારના અન્ય સભ્યોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.ચેતન આનંદે કહ્યું છે કે મને કૃષ્ણૈયા પરિવાર સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમે તેના પરિવારનો સંપર્ક કરી રહ્યા છીએ. જો અમને સંમતિ મળશે તો અમે આખા પરિવાર સાથે તેને મળવા જઈશું.
જાણો સમગ્ર મામલો
5 ડિસેમ્બર, 1994ના રોજ આનંદ મોહને મુઝફ્ફરપુરમાં ગોપાલગંજના જિલ્લા મેજિસ્ટ્રેટ જી કૃષ્ણૈયાની હત્યા કરી હતી. કથિત રીતે આનંદ મોહન સિંહ દ્વારા ઉશ્કેરવામાં આવેલા ટોળા દ્વારા કૃષ્ણૈયાની હત્યા કરવામાં આવી હતી. તેને તેની ઓફિશિયલ કારમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. જી ક્રિષ્નૈયા, 1985 બેચના IAS અધિકારી, હાલના તેલંગાણાના મહબૂબનગરના રહેવાસી હતા.આનંદ મોહનને 2007માં નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. એક વર્ષ પછી, પટના હાઈકોર્ટ દ્વારા સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી. મોહને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો, પરંતુ તેને કોઈ રાહત મળી નથી અને તે 2007થી સહરસા જેલમાં હતો છે. તેમની પત્ની લવલી આનંદ પણ લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમનો પુત્ર ચેતન આનંદ બિહારના શિવહરથી આરજેડી ધારાસભ્ય છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદનુ સંકટ ફરી ઘેરાયું, જાણો આજે ક્યા વિસ્તારોમાં થશે અસર