અમદાવાદગુજરાત

અમદાવાદના પૂર્વ મેયર અને ગાયનેકોલોજીસ્ટ ડો. મુકુલ શાહનું હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ, 29 જાન્યુઆરી 2024, શહેરના પર્વ મેયર અને ગાયનેકોલોજિસ્ટ ડો. મુકુલ શાહનું 74 વર્ષની ઉંમરે હાર્ટ એકેટના કારણે નિધન થયું છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે. તેઓ આ પદ પર નિયુક્ત થનાર પ્રથમ ડૉક્ટર હતાં. તેમની અંતિમ યાત્રા એમજી લાયબ્રેરી પાસેના નિવાસ સ્થાન ખાતેથી નીકળી હતી અને વીએસ હોસ્પિટલમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

વર્ષ 1980 માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતાં
ડૉ મુકુલ શાહને જુલાઇ 2011થી ગુજરાત યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર પદે ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2012થી 2014 માં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત થયાં હતાં. તેઓ વર્ષ 1980 માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતાં. 1987માં તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકેના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન ટોચના ત્રણ હોદ્દા સંભાળનાર સૌથી યુવા નેતા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે વર્ષ 1991 અને 1992માં નિયુક્ત થયાં હતાં. તેઓ ડેપ્યુટી મેયર પદે વર્ષ 1988 અને 1989 માં નિમાયા હતાં.વર્ષ 1990માં તેમની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ હતી.

ગાયનેકોલોજીમાં MBBS, DGO અને MD હતા
ડૉ. મુકુલ શાહ ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજીમાં MBBS, DGO અને MD હતા.તેમણે ભૂતકાળમાં GCS મેડિકલ કોલેજમાં પ્રોફેસર અને વિભાગના વડા તરીકે, અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં રજિસ્ટ્રાર અને પ્રોફેસર તરીકે, ભારતના ઘણા રાજ્યોમાં મેડિકલ કૉલેજના નિરીક્ષણ માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા નિરીક્ષક તરીકે સેવા આપી હતી.ડો. મુકુલ શાહ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત હતા. અમદાવાદના મેયર તરીકે શહેરના વિકાસમાં તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસો માટે તેઓને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમને 2017 માં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લે અમરકંટકમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે નિયુક્ત થયા હતા.

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ડો. મુકુલ શાહના અવસાનથી દુઃખ થયું. અમદાવાદના મેયર તરીકે શહેરના વિકાસમાં તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસો માટે તેઓને હંમેશા યાદ રાખવામાં આવશે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥ તે ઉપરાંત અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

આ પણ વાંચોઃગુજરાતના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી, જાણો કેમ ઠંડી ગાયબ થઈ

Back to top button