ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Intel ઈન્ડિયાના ભૂતપૂર્વ ચીફનું માર્ગ અકસ્માતમાં અવસાન, સાઇકલ પર હતા સવાર

Text To Speech

નવી મુંબઈ, 29 ફેબ્રુઆરી : વિખ્યાત ટેક કંપની Intel ઇન્ડિયાના ભૂતપૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીનું મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપમાં સાયકલ ચલાવતી વખતે એક ઝડપી કેબની ટક્કરથી મૃત્યુ થયું હતું. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે 5.50 વાગ્યાની આસપાસ સૈની (68) નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર સાથી સાઇકલ સવારો સાથે સાઇકલ ચલાવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો.

PTIના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપે આવતી કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી અને ડ્રાઈવરે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાયકલની ફ્રેમ કેબના આગળના પૈડા નીચે ફસાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં સૈનીને ઈજા થઈ હતી અને સાથી સાઈકલ સવાર તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

ચેમ્બુર નિવાસી સૈનીને Intel 386 અને 486 માઇક્રોપ્રોસેસર પર કામ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે કંપનીના પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું પણ નેતૃત્વ કર્યું હતું.

પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે, જેમાં 279 (રેશ ડ્રાઈવિંગ), 337 (ચાલકી અથવા બેદરકારીભર્યા કૃત્યથી માનવ જીવનને જોખમમાં મૂકવું) અને 304-A (કોઈના મૃત્યુનું કારણ બને છે) સહિતનો સમાવેશ થાય છે. જોકે આરોપી ડ્રાઈવર હજુ ફરાર છે.

Back to top button