ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન

HD ન્યૂઝ ડેસ્ક, ૧૫ મે : રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગુજરાતના રાજ્યપાલ અને 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કમલા બેનીવાલે રાજસ્થાનના લોકોના માનસ પર ખાસ્સી અસર કરી છે. ગુજરાતના રાજ્યપાલ હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે અનેક બાબતો પર તેમના મતભેદો હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી. કમલા બેનીવાલે ગેહલોત સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી હતા. તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં તેઓ ઘણા મહત્ત્વના હોદ્દા પર રહ્યા હતા.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના રાજ્યપાલ હતા ત્યારે તેમની સાથે અણબનાવ થયો હતો.

ડૉ. કમલા બેનીવાલને 27 નવેમ્બર 2009ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ કેન્દ્ર સરકારે તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે તે ગુજરાતના રાજ્યપાલ બન્યા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમની સાથે અનેક મુદ્દે મતભેદો હતા. જેમાં લોકાયુક્તની નિમણૂકનો મુદ્દો ખૂબ ચર્ચાયો હતો. બાદમાં મોદી પીએમ બનતાની સાથે જ કમલા બેનીવાલને ગવર્નર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો

ડૉ. કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું સ્કૂલિંગ ઝુંઝુનુમાં જ થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે ઈતિહાસ વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલને સ્વિમિંગ, ઘોડેસવારી અને કળાનો શોખ હતો. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. 27 વર્ષની વયે 1954માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અગાઉ અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી હતા. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલજીના દુઃખદ નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ડૉ. કમલા બેનીવાલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

ગુજરાત રાજ્યના cm ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે અને ડૉ. કમલા બેનીવાલના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ડૉ. કમલા બેનીવાલે તા. ૨૭ નવેમ્બર ૨૦૦૯ થી ૬ જુલાઈ ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના ૧૮મા રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.

Back to top button