ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીના પૂર્વ મંત્રી રાજ કુમાર આનંદનું MLA પદ રદ્દ કરવામાં આવ્યું

  • AAP નેતા BSP ની ટિકિટ ઉપર લોકસભા ચૂંટણી લડ્યા હતા
  • પદ રદ્દ કેમ ન કરવું ? તે અંગે 10 જૂન સુધીમાં માંગ્યો હતો જવાબ

નવી દિલ્હી, 14 જૂન : લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સામે બળવાખોર સૂર અપનાવનાર અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા રાજ કુમાર આનંદને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષે દિલ્હી વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા છે. વિધાનસભા કાર્યાલય અનુસાર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ત્યારે રાજ કુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ કેસમાં વિધાનસભાએ રાજ કુમાર આનંદને જવાબ દાખલ કરવા માટે 10 જૂનનો સમય આપ્યો હતો, જો તેઓ જવાબ ન આપે તો તેમને 11 અને 14 જૂને વિધાનસભામાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું.

વિધાનસભાએ માંગ્યો ખુલાસો

એસેમ્બલીએ રાજ કુમાર આનંદને પૂછ્યું હતું કે શા માટે તેમને પાર્ટી બદલવા અને ચૂંટણી લડવા બદલ હટાવી દેવામાં ન આવે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલના જણાવ્યા અનુસાર, રાજ કુમાર આનંદને પક્ષપલટા વિરોધી કાયદાનો હવાલો આપીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

રાજીનામું તાજેતરમાં સ્વીકારવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ પણ તેની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી. એલજી ઓફિસ તરફથી આ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે 31 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકુમાર આનંદનું રાજીનામું સ્વીકારવા માટે ઉપરાજ્યપાલને ભલામણ મોકલી હતી.

વર્ષ 2020માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

બસપામાં જોડાયા છે

દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજકુમાર આનંદે 6 મેના રોજ બહુજન સમાજ પાર્ટીમાં એન્ટ્રી લીધી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ BSPની ટિકિટ પર નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. BSPમાં જોડાયા બાદ પૂર્વ AAP નેતાએ કહ્યું હતું કે હું મારી પાર્ટીમાં પાછો ફર્યો છું. બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા બાદ મીડિયાને સંબોધતા રાજકુમાર આનંદે કહ્યું હતું કે, હું બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મને લાગે છે કે હું મારી પાર્ટીમાં પાછો આવ્યો છું.

Back to top button