દાંતાના પૂર્વ MLA વસંત ભટોળની આજે ઘરવાપસી, ભાજપનો ખેસ ધારણ કરશે; 2012માં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. તો નેતાઓ પણ પોતાનો ફાયદો જોઈને નિર્ણયો લેવા લાગ્યા છે. ચૂંટણીના સમયે પક્ષપલટુઓ કે આયારામ-ગયારામની સંખ્યાઓ વધી જતી હોય છે. દરેક નેતા પોતાના રાજકીય ફાયદા માટે આ પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં કૂદકા મારતા રહેતા હોય છે. જેનો સૌથી વધુ ફાયદો ભાજપને થાય છે, તો સૌથી વધુ નુકસાન કોંગ્રેસને.
તાજેતરમાં કોંગ્રેસમાંથી મોટી વિકેટ પડી છે ત્યારે ભાજપમાં જોડાવવાનો આ સીલસીલો સતત ચાલી રહ્યો છે. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તાજેતરમાં જ ભાજપમાં વિધીવત રીતે જોડાયા છે. ત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય આજે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પરત ફરશે.
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કરશે. મહત્વનું છે કે, વસંત ભટોળ વર્ષ 2007માં દાંતા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2012માં ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા ગયા હતા. જો કે હવે કોંગ્રેસમાંથી ફરી ઘરવાપસી કરી રહ્યાં છે.
વસંત ભટોળ બનાસ બેંકના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. મહત્વનું છે કે, તેઓ વર્ષ 2019માં કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા