કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
ખંભાત, 4 ફેબ્રુઆરી, 2024: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ તેમના સમર્થકો સાથે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ચિરાગ પટેલે ગત 19 ડિસેમ્બરે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. પક્ષ દ્વારા ખંભાતમાં રવિવારે મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ચિરાગ પટેલ તેમના ટેકેદારો સાથે જોડાયા હતા.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત સિનિયર નેતાઓએ સંબોધન કર્યું હતું. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને ચિરાગભાઈ એ આ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો તેના માટે ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં વિકાસ થયો છે અને આ વિકાસમાં ખંભાત પાછળ નહિ રહી જાય તેની આપ સૌને હું ખાતરી આપું છું.
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તેમજ અન્ય નેતાઓ – કાર્યકરો નિયમિત સમયાંતરે પોતપોતાનો પક્ષ છોડીને કમલમના માર્ગે વળી જતા હોવાનું જોવા મળે છે. જોકે, આમાંથી ઘણા નેતાઓ અથવા કાર્યકરો એવા પણ હોય છે જે અગાઉ ભાજપમાં જ હોય છે પરંતુ કોઈ કારણસર પક્ષાંતર કરી ગયા હોય અને છેવટે ત્યાં ન ફાવે એટલે ભાજપમાં ઘરવાપસી કરતા હોય છે. ગયા મહિને આમ આદમી પાર્ટીના આવા જ એક ધારાસભ્ય ભૂતપ ભાયાણીએ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને થોડા દિવસ પહેલાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો. ભૂપત ભાયાણી મૂળ અગાઉ ભાજપમાં જ હતા અને આપ પાર્ટીમાં આંટો મારીને પછી ઘરવાપસી કરી હતી.
ખંભાત બેઠક 3711 મતે ચિરાગ પટેલે જીતી હતી
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યા હતા. આમ, ભાજપની 3711 મતે હાર થઇ હતી. ખંભાત ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 108 નંબરની બેઠક છે જે આણંદ લોકસભામાં આવે છે.
આ પણ વાંચોઃ હવે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામુંઃ ગુજરાતમાં ઓપરેશન લોટસ ચાલુ છે!