ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.રાજેશની CBI દ્વારા ધરપકડ
ગુજરાતભરના IAS કેડરના ઓફિસર્સ ગ્રુપમાં ખળભળાટ મચાવતી ઘટના મોડી સાંજે સામે આવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના આરોપસર સીબીઆઈ દ્વારા કે.રાજેશની ધરપકડ કરી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેઓને ગાંધીનગર સ્થિત ઓફીસે અટકાયત કરી લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર કરવાનો છે આરોપ
ગુજરાત કેડરના IAS અધિકારી કે.રાજેશ સામે થોડા સમય પહેલા ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક અસરથી તેમના પદ ઉપરથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. કે.રાજેશે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જમીન કૌભાંડ આચર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાની વિગત બહાર આવી હતી. જેના પગલે તાત્કાલિક સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેનો ચાર્જ તેમની પાસેથી આંચકી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમ્યાન તેમના નિવાસસ્થાન સહિતના સ્થળોએ પડ્યા હતા દરોડા
સુત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર કે.રાજેશ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તેમની સામેની તપાસ તેજ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તેમના નિવાસસ્થાન અને ઓફીસ સહિતના આશ્રયસ્થાનોએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે તેમાં તપાસ દરમ્યાન શું પુરાવાઓ મળ્યા તે અંગે હજુસુધી કોઈ સ્પષ્ટતા સામે આવી ન હતી.
સુરતમાંથી પણ તેમનું કનેક્શન ખુલ્યું હતું !
આઈએએસ કે.રાજેશની હાલમાં સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેમની સામે લાગેલા આક્ષેપો અંગે પોલીસ અને કેટલીક એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેમનું સુરત સુધીનું કનેક્શન ખુલવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોનું માનીએ તો ત્યાંથી એક વચેટીયાની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.