ભારતીય ટીમનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પર પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઉઠાવ્યા સવાલો
ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમ વનડે અને ટી20 શ્રેણી રમશે. આ પ્રવાસ દરમ્યાન ઘણાં રોહિત અને કોહલી સહિતનાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે હાર્દિક પંડ્યા ટી-20માં અને શિખર ધવન વનડે શ્રેણીમાં ટીમનું સુકાન પદ સંભાળશે.ખેલાડીઓ સાથે ભારતીય ટીમનાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ બ્રેક લીધો છે. દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ટીમ સાથે ન્યૂઝીલેન્ડ ગયા છે. રાહુલ દ્રવિડના બ્રેકને લઈને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સવાલ ઉઠાવ્યા છે.
રવિ શાસ્ત્રીએ દ્રવિડ પર ઉઠાવ્યા સવાલ
રવિ શાસ્ત્રીએ રાહુલ દ્રવિડના બ્રેક લેવા પર સવાલ ઉઠાવ્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે કોચ પ્રેક્ટિકલ હોવો જોઈએ, પોતાના ખેલાડીઓ સાથે વધુ સમય વિતાવવો જોઈએ અને તેને વારંવાર બ્રેક ન લેવો જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે દ્રવિડે આરામ લીધો હોય. આ પહેલા પણ તેણે આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમ્યાન પણ આરામ લીધો હતો. રવિ શાસ્ત્રીએ કહ્યું, ‘હું બ્રેકમાં માનતો નથી. મને મારી ટીમ અને ખેલાડીઓને સમજવાનું અને પછી તે ટીમ પર નિયંત્રણ રાખવું ગમે છે. સાચું કહું તો તમારે આવા વિરામની જરૂર કેમ પડે છે? તમને આઈપીએલના બે-ત્રણ મહિના મળે છે. જે કોઈ પણ કોચ તરીકે આરામ કરવા માટે પૂરતું છે. મને લાગે છે કે બીજી વસ્તુ એ છે કે કોચ પ્રેક્ટિકલ હોવો જોઈએ, પછી ભલે તે કોઈ પણ હોય.
ગયા વર્ષે કોચ બન્યા હતા રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડને ગયા વર્ષે T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ મળ્યું હતું. દ્રવિડને રવિ શાસ્ત્રીની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યો હતો. કોચ બન્યાં બાદ દ્રવિડનો અત્યાર સુધીનો કાર્યકાળ કંઈ ખાસ રહ્યો નથી. આ દરમિયાન ભારતીય ટીમ ચોક્કસપણે દ્વિપક્ષીય શ્રેણી જીતવામાં સફળ રહી છે. પરંતુ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ આ વર્ષનો એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળ રહી છે.
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ
ભારત
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટ કીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.
ન્યૂઝીલેન્ડ
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર.