સેમીફાઈનલમાં કોને રમવું જોઇએ, પંત કે કાર્તિક અંગે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ગુરુવારે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમવા જઈ રહે છે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે જોરદાર તૈયારી કરી રહી છે, પરંતુ તેની સામે પડકાર એ છે કે મેચના દિવસે પ્લેઈંગ-11માં દિનેશ કાર્તિક કે રિષભ પંતમાંથી કોને સામેલ કરવા જોઈએ. આ ટૂર્નામેન્ટમાં વિકેટકીપિંગ માટે દિનેશ કાર્તિકએ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની પહેલી પસંદ રહ્યો છે. તે જ સમયે રિષભ પંતને ઝિમ્બાબ્વે સામે મોકો મળ્યો હતો. હવે આ મહત્વની મેચમાં બંનેમાંથી કોને તક આપવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો : સેમિફાઇનલ પહેલાની નેટ પ્રેક્ટિસમાં હિટમેન ઘાયલ, શું બહાર થઈ જશે રોહિત ?
રવિ શાસ્ત્રીનું કહેવું છે કે જો ભારતને ઈંગ્લેન્ડ સામે જીતવું હોય તો તેણે પોતાના એક્સ ફેક્ટર પ્લેયરને ટીમમાં રાખવા પડશે, જે રિષભ પંત છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે કાર્તિક એક મહાન ખેલાડી છે, પરંતુ ઈંગ્લેન્ડ જેવી ટીમ સામે આપણને એક આક્રમક ખેલાડીની જરૂર છે, જે રિષભ છે. આ સિવાય રિષભ એક ડાબોડી બેટ્સમેન છે, તેથી તેનો ફાયદો પણ ટીમને મળી શકે છે.
શાસ્ત્રીએ કહ્યું, “પંતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ અસાધારણ પ્રદર્શન કર્યું છે. તેણે પોતાના દમ પર ઈંગ્લેન્ડ સામે ઘણી મેચો જીતાડી છે. તે દર વખતે ટીમમાં એક્સ-ફેક્ટર લાવે છે. આ કામ સેમી ફાઈનલમાં થઈ શકે છે. જો ભારતે મેચ જીતવી હોય તો આ પ્રકારનો ખેલાડી હોવો જરૂરી છે.”
દિનેશ કાર્તિકનું ફ્લોપ ફોર્મ
ટીમ ઈન્ડિયાએ આ T20 વર્લ્ડ કપમાં રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિક પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઝિમ્બાબ્વે સામે, દિનેશ કાર્તિકને આરામ આપવામાં આવ્યો હતો અને રિષભ પંતને મોકો આપવામાં આવ્યો હતો, જો કે તે માત્ર 3 રન બનાવી શક્યો હતો અને તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો. પરંતુ ઘણા નિષ્ણાતો કહે છે કે રિષભને સેમિફાઈનલ અને ફાઈનલમાં તક મળવી જોઈએ.
T20 વર્લ્ડ કપ પહેલા દિનેશ કાર્તિક સારા ફોર્મમાં હતો અને તેથી જ તેને આ ટુર્નામેન્ટોમાં રમવાની તકો મળી હતી. પરંતુ વર્લ્ડકપમાં આવતાની સાથે જ તેણે ફેન્સને નિરાશ કરી દીધા હતાં. દિનેશ કાર્તિકે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 1, દક્ષિણ આફ્રિકા સામે 6 અને બાંગ્લાદેશ સામે 7 રન બનાવ્યા છે. આ ઉપરાંત નેધરલેન્ડ સામે તેની બેટિંગ આવી ન હતી અને તેને ઝિમ્બાબ્વે સામે રમાડવામાં આવ્યો ન હતો.
કાર્તિકને ડ્રોપ ન કરવો જોઈએઃ સેહવાગ
રવિ શાસ્ત્રી સિવાય ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ કાર્તિક અને પંતને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ઝિમ્બાબ્વે સામે કાર્તિકને ડ્રોપ નહોતો કરવો જોઈએ. જો તે તમારી પ્રથમ પસંદગી છે, તો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેની સાથે રમવું જોઈએ. ડ્રોપ આઉટ કરવાથી તેનો આત્મવિશ્વાસ ઘટી શકે છે. જો તેણે રન બનાવ્યા નથી, તો તેને આત્મવિશ્વાસ આપવો જરુરી છે.”