શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે ! કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યા સંકેત
ગુજરાતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ મંગળવારે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાં પુનરાગમન હંમેશા આવકાર્ય રહેશે. ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ અંગે વાત કરી હતી. શંકરસિંહ વાઘેલા બે દાયકા સુધી કોંગ્રેસમાં હતા. તેમણે 2017માં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તે સમયે તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા. જ્યારે તેમની પાર્ટીમાં વાપસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.
વાઘેલાએ શું કહ્યું?
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પૂર્વ સીએમ વાઘેલાએ ગત ફેબ્રુઆરીમાં જ કહ્યું હતું કે તેમને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવામાં કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું હતું કે હું ભાજપને હરાવવા માટે કોઈપણ શરત વિના કોંગ્રેસ પાર્ટીમાં પરત ફરવા તૈયાર છું. તેમણે કહ્યું હતું કે હું સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને મળ્યા બાદ આ મામલે નિર્ણય લઈશ.
ભાજપ સાથે રાજકીય જીવનની શરૂઆત કરી
વર્ષ 2019માં શંકરસિંહ વાઘેલા શરદ પવારની પાર્ટી NCPમાં જોડાયા હતા. વાઘેલાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી. 1995માં કેશુભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે નારાજ થઈને વાઘેલાએ પાર્ટી છોડી દીધી હતી. 1996માં તેમણે કોંગ્રેસની મદદથી ગુજરાતમાં સરકાર બનાવી અને મુખ્યમંત્રી બન્યા. વાઘેલા મનમોહન સરકારમાં ટેક્સટાઈલ મંત્રી રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : પાલનપુર : રૂ.25 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નંખાશે